વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રમાણપત્રમાં માતા અને પિતા બન્નેના નામ રાખવા આદેશ
- બાળકના વાલી તરીકે બન્ને હકદાર: દિલ્હી હાઇકોર્ટ
દિલ્હી હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, વિદ્યાર્થીના પ્રમાણપત્રો, ડિગ્રી અને અન્ય શૈક્ષણિક દસ્તાવેજોમાં માતા અને પિતા બન્નેના નામનો ઉલ્લેખ હોવો જરૂૂરી છે. દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધિશ સી હરિ શંકરે કહ્યું કે, જેવી રીતે દીકરી અને દીકરાને સમાન માનવામાં આવે છે અને સમાન હકો આપવામાં આવે છે.તેવી જ રીતે, માતા અને પિતા બાળકના માતાપિતા તરીકે ઓળખ મેળવવા માટે સમાન હકદાર છે. એટલું જ નહીં પરંતુ કોર્ટે ચોખ્ખું કહ્યું છે કે, માત્ર પિતાના નામનો કોઈ મતલબ નથી. તેમાં માતાનું નામ હોવું પણ અનિવાર્ય છે.
વાસ્તવમાં, કાયદાના વિદ્યાર્થીની અરજી પર સુનાવણી કરતી વખતે, ન્યાયમૂર્તિ સી હરિ શંકરની બેન્ચે કહ્યું કે પ્રમાણપત્રો પર મુખ્ય ભાગમાં માતાપિતા બંનેના નામનો ઉલ્લેખ ફરજિયાતપણે કરવો જોઈએ. આમાં કોઈપણ પ્રકારની ચર્ચાની જરૂૂર નથી. મામલો ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીનો છે. જ્યાં રિતિકા પ્રસાદે લો ગ્રેજ્યુએટની અરજી કરી હતી. તેણે કહ્યું કે તેણે પાંચ વર્ષના બીએ એલએલબી કોર્સમાં એડમિશન લીધું હતું.કોર્સ પૂરો થયો ત્યારે તેને જે ડિગ્રી આપવામાં આવી હતી તેના પર માત્ર તેના પિતાનું નામ હતું અને તેની માતાનું નહીં. રિતિકાએ કહ્યું કે ડિગ્રી પર માતા અને પિતા બંનેનું નામ હોવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આ મામલો ભલે સરળ લાગે પરંતુ જો તેના સંપૂર્ણ પરિમાણોની ચર્ચા કરવામાં આવે તો તે ખૂબ જ સામાજિક મહત્વનો મુદ્દો છે. યુજીસીએ આ અંગે 6 જૂન, 2014ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી. હવે કોર્ટે યુનિવર્સિટીને 15 દિવસનો સમય આપ્યો છે. આ મોરેટોરિયમની અંદર, તેઓએ બીજું પ્રમાણપત્ર આપવું પડશે જેમાં માતા અને પિતા બંનેના નામ હશે. કોર્ટે એમ પણ કહ્યું કે આ ગર્વની વાત છે કે આજે બારમાં જોડાનારા મોટાભાગના યુવાનો છોકરીઓ છે.