મમતા હવે શ્રીયામાઇ મમતા નંદગિરી: માણસ ગમે ત્યારે જીવનમાર્ગ બદલી શકે છે
હિન્દી ફિલ્મોની એક જમાનાની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ તેના કારણે વિવાદ સર્જાઈ ગયો છે. મમતા કુલકર્ણીએ શુક્રવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સંગમના કિનારે સંન્યાસ લીધો હતો અને કિન્નર અખાડાના પ્રમુખ લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ મમતાને દીક્ષા આપીને શ્રીયામાઈ મમતા નંદગિરિ એવું નવું નામ આપ્યું છે. કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવતી વખતે મમતા કુલકર્ણીના વાળ કાપવામાં આવ્યા હતા અને મમતા કુલકર્ણીને દૂધનો અભિષેક કરાયો હતો.
મમતા હવે ભગવાં વસ્ત્રો પણ ધારણ કરે છે એ જોતાં એ હવે સંપૂર્ણપણે સંન્યાસિનીના સ્વરૂૂપમાં આવી ગઈ છે. મમતા કુલકર્ણીની દીક્ષાએ લોકોમાં તો ઉત્સુક્તા જગાવી જ છે પણ મમતાને કિન્નર અખાડા દ્વારા અપાયેલી મહામંડલેશ્વરની ઉપાધિને કારણે સાધુ-સંતોમાં પણ ભાગલા પડી ગયા છે. મહાકુંભમાં ભાગ લઈ રહેલા અખાડા સાથે સંકળાયેલા સાધુ-સંતોના એક વર્ગનું કહેવું છે કે, મહામંડલેશ્વરની ઉપાધિ સંત કક્ષાની વ્યક્તિને અપાય છે અને કોઈને પણ ઉઠાવીને સીધા સંત ના બનાવી શકાય. મહામંડલેશ્વરની ઉપાધિ આપતાં પહેલાં વ્યકિતનું ચારિત્ર્ય જોવું પડે જ્યારે મમતાનું ચારિત્ર્ય શંકાસ્પદ છે એ જોતાં. કિન્નર અખાડાએ મમતાને મહામંડલેશ્વરની ઉપાધિ આપીને માન્યતા આપીને મહાપાપ કર્યું છે.
સાધુ-સંતોનો બીજો વર્ગ માને છે કે, મમતા પર જે આરોપ લાગ્યા હતા એ સાબિત થયા નહોતા અને ડ્રગ્સના કેસમાં તેને નિર્દોષ છોડી દેવાઈ છે. મમતા પર લાગેલા બીજા આક્ષેપો પણ સાબિત થયા નથી એ જોતાં મમતા સામે આંગળી ચીંધી ના શકાય. સંન્યાસ લેવાનો અધિકાર બધાને છે અને હિંદુ પરંપરામાં તો દેહવ્યાપાર કરનારી એક વેશ્યાને પણ ગુરુ બનાવવામાં આવી હતી એ જોતાં મમતાને પણ મહામંડલેશ્વરની ઉપાધિ આપવામાં કશું ખોટું નથી. યોગ્યતા હોય તો કોઈને પણ મહામંડલેશ્વર બનાવી શકાય છે અને ભૂતકાળમાં કોઈ શું કરતું હતું એ મહત્ત્વનું નથી. મમતાને ધર્મના માર્ગ પર ચાલવાની તક મળી છે ત્યારે તેણે પણ પોતાનો વિરોધ કરનારાંને ખોટા સાબિત કરવાની જરૂૂર છે. મમતા પોતાના ભૂતકાળને લોકો ભૂલી જાય અને એક સતમાર્ગી તરીકે યાદ કરે એવી ઈમેજ ઊભી કરવામાં સફળ થાય તો તેનો સંન્યાસ લેખે લાગશે.