માલેગાંવ બ્લાસ્ટ કેસ: પ્રજ્ઞા ઠાકુરને ફાંસી આપવાNIAની માંગ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ 2008ના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં એક મોટું નિવેદન આપ્યું છે.NIAએ ભોપાલના પૂર્વ ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર સહિત સાત આરોપીઓને મૃત્યુદંડ આપવાની માંગણી કરી છે.NIAએ મુંબઈની વિશેષ અદાલતને વિનંતી કરી છે કે માલેગાંવ વિસ્ફોટના તમામ સાત આરોપીઓને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA)ની કલમ 16 હેઠળ સજા આપવામાં આવે. આ વિસ્ફોટમાં 6 મુસ્લિમ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.NIAએ પોતાની અંતિમ દલીલો કોર્ટમાં રજૂ કરી છે, જેમાં ગુનાની ગંભીરતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એજન્સીએ ભારપૂર્વક જણાવ્યું છે કે આરોપીઓને તેમના ગુનાના પ્રમાણમાં સજા થવી જોઈએ.
આ કેસમાં પૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ UAPAની કલમ 16 અને 18 તેમજ ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ)ની કલમ 120 ઇ (ગુનાહિત કાવતરું), 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 324 (સ્વેચ્છાએ ઇજા પહોંચાડવી), 326 (ખતરનાક હથિયારોથી સ્વેચ્છાએ ગંભીર ઇજા પહોંચાડવી) અને 427 (નુકસાન પહોંચાડવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.
આ ઘટના 17 વર્ષ પહેલાં બની હતી, જેમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 6 મુસ્લિમએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કેસની તમામ દલીલો પૂર્ણ થયા બાદ,NIAએ પોતાની અંતિમ લેખિત દલીલો કોર્ટમાં દાખલ કરી છે. આ દલીલો લગભગ દોઢ હજાર પાનાની છે. હાલમાં વિશેષ કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ન્યાયાધીશ એકે લાહોટી આગામી 8મી મેના રોજ આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવશે.