કેદારનાથમાં મોટી દુર્ઘટના: ભૂસ્ખલન થતાં 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યાં, બેનાં મોત, 3 ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડના કેદારનાથથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભુસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવામી માહિતી મળી છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયાં છે અને ત્રણ ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. બે દિવસ પહેલા પણ ભારે વરસાદને કારણે કેદારનાથ પગપાળા માર્ગ પર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, આજે સવારે લગભગ 11.20 વાગ્યે કેદારનાથ ધામ ફૂટપાથ પર જંગલચટ્ટી ઘાટ નજીક ટેકરીની ટોચ પરથી કાટમાળ અને પથ્થરો પડ્યા હતા. આ કાટમાળની ચપેટમાં પાંચ લોકો આવી ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ જંગલચટ્ટી ચોકી પર તૈનાત પોલીસ દળ અને DDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે દબાઈ જવાથી કેટલાક લોકો પણ ખાડામાં પડી ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા અને બહાર કાઢવામાં આવ્યા હતા. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, 3 લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક મહિલાને સામાન્ય ઈજાઓ થઈ છે અને બે પુરુષોને ગંભીર ઈજાઓ થઈ છે. બધા ઘાયલોને ગૌરીકુંડ રિફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બે લોકોના મોત થયા છે.
જિલ્લા આપત્તિ નિવારણ અધિકારીએ દુર્ઘટનાની જાણકારી આપતાં કહ્યું કે, ભુસ્ખલનના કારણે શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હતા. જેમાં બેના મોત થયા છે. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. જેના લીધે ભુસ્ખલનની દુર્ઘટના વધી છે.