અમરનાથ યાત્રામાં મોટી દુર્ઘટના: બાલતાલ રુટ પર ભયાનક ભૂસ્ખલન, એક મહિલાનું મોત, 3 ઈજાગ્રસ્ત
અમરનાથ યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. અમરનાથ યાત્રાના બાલતાલ રૂટ પર ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં એક મહિલા યાત્રાળુએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગઈ કાલે સાંજે બની હતી. બાલતાલ રૂટ પર રેલપથરી નામના સ્થળે ભૂસ્ખલન થયું હતું. આ કારણે અમરનાથ ગુફા તરફ જઈ રહેલા ચાર શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને તાત્કાલિક બાલતાલના બેઝ કેમ્પમાં બનેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ એક મહિલાને મૃત જાહેર કરી હતી. મહિલાની ઓળખ રાજસ્થાનની સોના બાઈ (55 વર્ષ) તરીકે થઈ છે. આ ઘટના સાથે, આ વર્ષની અમરનાથ યાત્રામાં મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે. બીજી તરફ, બાકીના ઘાયલોની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
આ પહેલા, બુધવારે જમ્મુથી ૬,૦૬૪ યાત્રાળુઓનો બીજો સમૂહ અમરનાથ ગુફા માટે રવાના થયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અમરનાથ ગુફા મંદિરની ૩૮ દિવસની વાર્ષિક યાત્રા ૩ જુલાઈએ બંને રૂટથી શરૂ થઈ હતી અને ૯ ઓગસ્ટે રક્ષાબંધનના તહેવાર સાથે સમાપ્ત થશે. અત્યાર સુધીમાં ૨.૩૫ લાખથી વધુ યાત્રાળુઓએ કુદરતી રીતે રચાયેલા શિવલિંગના દર્શન કર્યા છે.