કફ સિરપ કૌભાંડમાં મોટી કાર્યવાહી, કંપનીના માલિકની તમિલનાડુથી ધરપકડ
મધ્યપ્રદેશના છિંદવાડામાં 20 બાળકોને મોતને ઘાટ ઉતારનાર કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માના માલિક રંગનાથનની પોલીસે ધરપકડ કરી લીધી છે. કંપનીના માલિક રંગનાથનની માહિતી આપનારને 20,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.કફ સિરપ પીધા પછી છિંદવાડામાં કુલ 20 બાળકોના મોત થયા છે.
છિંદવાડાના પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે શ્રીસન ફાર્માના માલિક એસ. રંગનાથનની બુધવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેમને તમિલનાડુના ચેન્નાઈની કોર્ટમાં હાજર કરવામાં આવશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા પછી તેમને મધ્યપ્રદેશના છિંદવાડા લાવવામાં આવશે. છિંદવાડા પોલીસ દ્વારા એક મોટા ઓપરેશન બાદ આ ધરપકડ કરવામાં આવી છે, પોલીસની ટીમ આરોપીને કસ્ટડીમાં લેવા માટે ચેન્નાઈ અને કાંચીપુરમ ગઈ હતી.
આ કાર્યવાહી મધ્યપ્રદેશમાં દૂષિત કોલ્ડ્રિફ કફ સિરપ પીવાથી 20 બાળકોના મૃત્યુની ભયાનક ઘટના બાદ કરવામાં આવી હતી. કસ્ટડીમાં લીધા બાદ રંગનાથનની સમગ્ર કેસ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.