મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં મોટી દુર્ઘટના: રેલવે નિર્માણસ્થળે ખાડામાં ડૂબી જવાથી 4 બાળકોનાં મોત
મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના દારવ્હામાં એક દુ:ખદ ઘટના બની છે. અહીં રેલ્વે બાંધકામ માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી ચાર બાળકોનાં મોત થયાં છે. આ અકસ્માત બુધવારે એટલે કે ગઈ કાલે સાંજે દરવા-નેર રોડ નજીક રેલ્વે સ્ટેશન પરિસરમાં બન્યો હતો.
આ ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોની ઓળખ રીહાન અસલમ ખાન (૧૩), ગોલુ પાંડુરંગ નારનવરે (૧૦), સોમ્યા સતીશ ખડસન (૧૦) અને વૈભવ આશીષ બોધલે (૧૪) તરીકે થઈ છે, જે બધા દારવ્હાના રહેવાસી હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક બાળકોની ઉંમર 10 થી 14 વર્ષની હતી અને આ ઘટના દારવ્હા રેલવે સ્ટેશન પાસે બની હતી. આ દરમિયાન, નાસિક અને તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ડેમ અને નદીઓ છલકાઈ ગઈ છે, જેના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
વર્ધા-યવતમાલ -નાંદેડ રેલ્વે પ્રોજેક્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ સમય દરમિયાન પુલના થાંભલા બનાવવા માટે ઘણા ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાળકો ફ્લાયઓવરના બાંધકામ સ્થળ નજીક રમી રહ્યા હતા. થાંભલા લગાવવા માટે ખોદવામાં આવેલો મોટો ખાડો વરસાદના પાણીથી ભરાઈ ગયો હતો. એવી આશંકા છે કે બાળકો રમતા રમતા તેમાં પડી ગયા અથવા કદાચ તરવાનો પ્રયાસ કરતા હતા, જેમાં તેઓ નિષ્ફળ રહ્યા અને તેમનું મોત થયું.
તાજેતરના ભારે વરસાદને કારણે, આ ખાડાઓ પાણીથી ભરાઈ ગયા હતા, પરંતુ તેમની આસપાસ કોઈ સુરક્ષા વર્તુળ બનાવવામાં આવ્યું ન હતું. બુધવારે બપોરે, આ બાળકો નહાવા માટે આ ખાડાઓમાં ઉતર્યા. પાણીની ઊંડાઈ ન જાણતા, તેઓ ડૂબવા લાગ્યા. નજીકના લોકોએ તેમને બહાર કાઢ્યા અને તાત્કાલિક દારવ્હાના સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ ગયા. બાદમાં, તેમની ગંભીર હાલત જોઈને, તેમને યવતમાલની સંજીવની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ ચારેયને મૃત જાહેર કર્યા.