લખનૌમાં મોટી દુર્ઘટના: બસમાં આગ લાગતા 5 લોકો જીવતા સળગ્યા, 50થી વધુનો જીવ બચ્યો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક મોટી દુર્ઘટના બની છે.મોહનલાલગંજ વિસ્તારમાં દિલ્હીથી બિહાર જઈ રહેલી એક સ્લીપર બસમાં અચાનક આગ લાગી. આ અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ મુસાફરો જીવતા ભડથું થયાં હતાં. છે. બસમાં લગભગ 80 લોકો સવાર હતા.
મોહનલાલગંજ નજીક કિસાન પથ પર એક બસમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. પોલીસ, ફાયરબ્રિગેડની ગાડી તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે કે, બસમાં આગ લાગતાં ઈમરજન્સી ગેટ લૉક થઈ ગયો હતો. જેના લીધે પાછળ બેઠેલા લોકો આગમાં ફસાયા હતા. તેઓ બહાર નીકળવામાં નિષ્ફળ રહેતાં આગની ઝપેટમાં આવી ગયા હતાં. ઘટનામાં બે બાળકો, બે મહિલા અને બે પુરૂષો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે પાંચ વાગ્યે લખનૌના મોહનલાલગંજ વિસ્તારમાં કિસાન પથ પર આ ઘટના બની હતી, જ્યારે દિલ્હીથી બિહાર જઈ રહેલી એક ખાનગી સ્લીપર બસમાં અચાનક આગ લાગી હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે મોટાભાગના મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે માત્ર 10 મિનિટમાં જ આખી બસ બળીને રાખ થઈ ગઈ.
બસમાં મુસાફરી કરતા મુસાફરોએ જણાવ્યું કે પહેલા તેમને ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આગ લાગતાની સાથે જ અરાજકતા મચી ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા માટે દરવાજા અને બારીઓ તરફ દોડ્યા, ગઈ. આગ લાગતાં જ બસ ડ્રાઈવર અને કંડક્ટર જીવ બચાવી ભાગી ગયા હતાં. બસમાં સવાર મુસાફરોએ પોતાની જાતે મહા મહેનતે બસના કાચ તોડી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પહેલાં બસમાંથી અચાનક ધૂમાડો નીકળવા લાગ્યો હતો. બાદમાં આગની જ્વાળાઓમાં બસ લપેટાઈ હતી.