હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મોટી દુર્ઘટના: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, અનેક લોકોના મોતની આશંકા
હિમાચલ પ્રદેશના કુલ્લુ સ્થિત અનીમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. એક ખાનગી બસ ઉંડી ખાઈમાં ખાબકી હતી. જે બાદ બસના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માત અનીના શકેલહર પાસે થયો હતો. આ અકસ્માતમાં અનેક લોકોના મોતની આશંકા છે.
મળતી માહિતી મુજબ, કુલ્લુના અની સબ-ડિવિઝનના સ્વદ-નાગન રોડ પર એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે બસમાં 25 થી 30 લોકો હતા અને આ બસ કારસોગથી આવી રહી હતી. પરંતુ તે દરમિયાન અકસ્માત થયો હતો. અકસ્માતમાં બસ ઉંડી ખાઈમાં ખાબકી હતી. ઘણા ઘાયલ મુસાફરો બસની આસપાસ પડેલા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી છે અને પોલીસ પ્રશાસનની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
કુલ્લુ ડીસી એસ રવીશે જણાવ્યું કે, બસમાં કુલ 25 થી 30 મુસાફરો હતા. અકસ્માત બાદ ડ્રાઈવરનું તુરંત મોત નિપજ્યું હતું. બાકીના ઘાયલ મુસાફરોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી ચાલી રહી છે. અમારી ટીમ સ્થળ પર છે.
ઘટના બાદ બસને સંપૂર્ણ નુકસાન થયું હતું. આ બસ મોડથી સીધી 200 મીટર નીચે પડી છે. લોકો પોતાના ખાનગી વાહનોમાં ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એક તીવ્ર વળાંક પર ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ સીધી નીચે ઉતરી ગઈ અને તેના ટુકડા થઈ ગયા.
અકસ્માત બાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બસ ખાઈમાં પડતાની સાથે જ કેવી રીતે નાશ પામી તે દર્શાવ્યું હતું. ઘણી જહેમત બાદ સ્થાનિક લોકોએ બસમાં મુસાફરી કરી રહેલા લોકોને બહાર કાઢ્યા હતા. કેટલાક ઘાયલોએ જાતે બહાર નીકળવાનો પ્રયાસ પણ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અચાનક તેઓએ જોરદાર અવાજ સાંભળ્યો. જોયું કે બસ ખાઈમાં પડી હતી. અંદરથી લોકોની ચીસોના અવાજો આવી રહ્યા હતા.
સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બધા ઘાયલોને મદદ કરવા લાગ્યા. પોલીસને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. હાલ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. અકસ્માતના સાચા કારણો હજુ જાણવામાં આવી રહ્યા છે. હાલ આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે તેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.