રાજસ્થાનના જેસલમેરમાં મોટો અકસ્માત: મુસાફરોથી ભરેલી બસમાં અચાનક આગ લાગી, 12 લોકોના મોત
આજે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. જેસલમેરથી જોધપુર જતી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી. લોકો જીવ બચવા માટે ચાલતી બસમાંથી કૂદી પડ્યા હતા. આ અકસ્માતમાં આશરે 12 મુસાફરોના મોત થયા છે. બસમાં 57 મુસાફરો હતા. ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને જવાહર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો આદેશ આપ્યો.
બસ જેસલમેરથી જોધપુર જઈ રહી હતી. યુદ્ધ સંગ્રહાલય પાસે પહોંચતા જ અચાનક બસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને થોડીવારમાં જ તેમાં આગ લાગી ગઈ. અકસ્માત સમયે 57 મુસાફરો સવાર હતા. કેટલાક મુસાફરોએ જીવ બચાવા માટે ચાલતી બસમાંથી કૂદી પડ્યા હતાં. રસ્તા પરથી પસાર થતા લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને અકસ્માતની જાણ કરી.
માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે પહેલા બસમાં લાગેલી આગ બુઝાવી હતી અને ત્યારબાદ એમ્બ્યુલન્સની મદદથી મુસાફરોને જવાહર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
મ્યુનિસિપલ કાઉન્સિલના સહાયક ફાયર ઓફિસર, કૃષ્ણપાલ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે માહિતી મળતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા. બસ સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. અંદાજે 10 થી 12 લોકો જીવતા બળી ગયા હોવાની આશંકા છે.