મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ: મહાયુતિએ બહુમતીનો આંકડો પાર કર્યો, NDA 202 બેઠક પર, MVA 73 બેઠક પર આગળ
મહારાષ્ટ્ર અને ઝારખંડનું રાજકીય ભવિષ્ય આજે નક્કી થવા જઈ રહ્યું છે. આજે નક્કી થશે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર પરત આવશે કે સત્તા મહાવિકાસ આઘાડીના હાથમાં જશે. આ બંને રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર સમગ્ર દેશની નજર ટકેલી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની મતગણતરી અંગે કેન્દ્રીય ચૂંટણી પંચના અહેવાલ અનુસાર એનડીએ એ સ્પષ્ટ બહુમતી મેળવી છે. . ભાજપ અને સાથી પક્ષો 202 બેઠકની જીતનો આંકડો પાર કરી લીધો છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો પર, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક પર અને અજિત પવારના નેતૃત્વ ધરાવતી એનસીપી 59 બેઠકો પર ચૂંટણી લડી હતી. બીજી તરફ એમવીએમાં સામેલ કોંગ્રેસે 101 બેઠકો પર, શિવસેના (યુબીટી)એ 95 અને એનસીપી (શરદ પવાર)એ 86 બેઠકો પર ચૂંટણી લડી હતી.
શરૂઆતના ટ્રેન્ડમાં મહાયુતિને જોરદાર લીડ જોવા મળી રહી છે. મહાયુતિમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજિત પવાર)નો સમાવેશ થાય છે, જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને NCP (શરદ પવાર)નો સમાવેશ થાય છે.
જોકે, બિહાર, રાજસ્થાન, પંજાબ, કેરળ સહિત 16 રાજ્યોની 48 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ પણ આજે આવી રહ્યા છે. બધાની નજર કેરળની વાયનાડ લોકસભા સીટ પર પણ છે, કારણ કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અહીંથી મેદાનમાં છે. તમામ બેઠકો પર 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે.