મકરસંક્રાંતિએ આસ્થાનો મહાકુંભ: 5 કરોડ ભાવિકોનું પવિત્ર સ્નાન
ગઈકાલે વિવિધ અખાડાના સાધુ-સંતોએ પ્રથમ અમૃત સ્નાન કર્યુ, આજે ત્રીજા દિવસે પણ ઘૂઘવતો માનવ મહેરામણ
પ્રયાગરાજમાં 45 દિવસના મહાકુંભના ત્રીજા દિવસે આજ સવારથી જ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. ગઈકાલે મકરસંક્રાંતિના પર્વે જુદા જુદા અખાડાઓના સાધુસંતોએ પ્રથમ સ્નાન કર્યુ હતું. ગઈકાલે એક જ દિવસમાં 3.5 કરોડ લોકોએ આસ્થાની ડુબકી લગાવી હતી, જ્યારે બે દિવસમાં જ પાંચ કરોડ લોકોએ ગંગા, યમુના અને સરસ્વતિ નદીઓના પવિત્ર સંગમઘાટ ખાતે પાંચ કરોડ ભાવિકોએ પુણ્યનું ભાથુ બાંધ્યું હતું.
મહા કુંભમાં મોટાભાગના અખાડાઓનું નેતૃત્વ રાખ પહેરેલા નાગા સાધુઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે તેમની શિસ્ત અને પરંપરાગત શસ્ત્રોમાં નિપુણતાથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નિપુણતાથી ભાલા અને તલવાર ચલાવવાથી લઈને જુસ્સાથી ડમરુ વગાડવા સુધી, તેમનું પ્રદર્શન વર્ષો જૂની પરંપરાઓની જીવંત ઉજવણી હતી.
મહાકુંભમાં પુરૂૂષ નાગા સાધુઓ ઉપરાંત મોટી સંખ્યામાં મહિલા નાગા તપસ્વીઓ પણ હાજર રહ્યા હતા. મહાકુંભનું પહેલું મોટું સ્નાન પૌષ પૂર્ણિમાના દિવસે સોમવારે થયું હતું, જ્યારે અખાડાઓ અથવા હિંદુ મઠોના સભ્યોએ મકરસંક્રાંતિના દિવસે પ્રથમ સ્નાન કર્યું હતું.
શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણી અને શ્રી શંભુ પંચાયતી અટલ અખાડાએ સૌપ્રથમ અમૃતસ્નાન લીધું. મહાકુંભમાં તેર અખાડાઓ ભાગ લઈ રહ્યા છે. અમૃત સ્નાન દરમિયાન હેલિકોપ્ટરમાંથી ભક્તો પર ગુલાબની પાંખડીઓ વરસાવવામાં આવી હતી.
68 મહામંડલેશ્વરો અને મહાનિર્વાણી અખાડાના હજારો સાધુઓએ અમૃત સ્નાનમાં ભાગ લીધો હતો.
નિરંજની અખાડાના મહંત રવીન્દ્ર પુરીએ જણાવ્યું કે નિરંજની અખાડાના 35 મહામંડલેશ્વરો અને હજારો નાગા સાધુઓએ અમૃત સ્નાનમાં ભાગ લીધો હતો. પૂર્વ મંત્રી અને નિરંજની અખાડાના સાધ્વી નિરંજન જ્યોતિએ કહ્યું કે ઘાટ પર યુવાનોની ભીડ સનાતન ધર્મમાં ઊંડી આસ્થાનું પ્રતિક છે, જ્યારે પણ સનાતન ધર્મને પડકારોનો સામનો કરવો પડ્યો છે, ત્યારે યુવાનો અને સંતો તેનો બચાવ કરવા આગળ આવ્યા છે.
નિરંજની અને આનંદ અખાડા બાદ જુના અખાડા, આવાહન અખાડા અને પંચાગ્નિ અખાડાના હજારો સંતોએ અમૃત સ્નાન કર્યું હતું. કિન્નર અખાડાના સભ્યોએ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીની આગેવાની હેઠળના જુના અખાડા સાથે પણ પવિત્ર ડૂબકી લગાવી હતી, જેઓ એક ભવ્ય રથમાં ઘાટ પર પહોંચ્યા હતા, ત્યારપછી નાગા સાધુઓનું એક જૂથ આવ્યું હતું.
મહાકુંભમાં હાડ થીજાવતી ઠંડી: શાહી સ્નાન બાદ 3નાં મૃત્યુ, 3000 લોકો બીમાર
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સોમવારથી મહાકુંભ 2025 શરૂૂ થયો છે. તેમાં કરોડો લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, ત્યારે મહાકુંભ પર પણ કડકડતી ઠંડીનો કહેર જોવા મળ્યો છે. શાહી સ્નાન બાદ ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે 3 હજારથી વધુ લોકો બીમાર પડ્યા હતા.
જ્યારે શરદ પવારના પક્ષના નેતાની તબિયત બગડી ત્યારે તેમના મિત્રો સવારે સાડા આઠ વાગ્યે તેમને સબ-સેન્ટ્રલ હોસ્પિટલ, ઝુંસી લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ સાથે રાજસ્થાનના કોટાના અન્ય એક વ્યક્તિ સુદર્શન સિંહ પંવારનું પણ મૃત્યુ થયું છે. સુદર્શન સિંહ પણ તેમના મિત્રો સાથે મહાકુંભમાં સ્નાન કરવા આવ્યા હતા. સ્નાન કર્યા પછી જ્યારે તેની તબિયત બગડી તો તેના મિત્રો તેને ઝુંસી સબ-સેન્ટ્રલ હોસ્પિટલમાં લઈ ગયા.
મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હોવાની આશંકા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. આ સિવાય 85 વર્ષીય અર્જુન ગિરીને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત થયું હતું.
માહિતી આપતાં સેન્ટ્રલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડો. મનોજ કૌશિકે જણાવ્યું કે, 13 જાન્યુઆરી, 2025ના રોજ 3 હજારથી વધુ લોકો ઓપીડીમાં સારવાર માટે પહોંચ્યા હતા. જેમાંથી 262 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, 37 દર્દીઓની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને તેમને અન્ય હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
બીજી તરફ 11 શ્રદ્ધાળુઓના મોતના ખોટા સમાચાર પણ બહાર આવ્યા હતા, જેના પર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ સમાચાર ખોટા હોવાનું જાણવા મળ્યું છે અને આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર ભ્રમ ફેલાવતી પોસ્ટને દૂર કરવામાં આવી રહી છે.