દિલ્હીમાં ભાજપ કાર્યકર વર્ષાની હત્યા કરી પ્રેમીનો આપઘાત
- અઠવાડિયાથી ગુમ મહિલા કાર્યકરની લાશ શાળામાંથી મળી
દેશની રાજધાની દિલ્હીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક બીજેપી કાર્યકર અને મહિલા શિક્ષકની લાશ તેમની જ શાળાની સ્ટેશનરીમાંથી મળી આવી છે. મહિલા શિક્ષિકાની હત્યા અને તેની લાશ મળી આવતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મહિલાની ઓળખ વર્ષા (28) તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષા 24મી ફેબ્રુઆરીથી ગુમ હતી. માહિતી મળતાં જ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને કેસની તપાસ શરૂૂ કરી હતી.
દિલ્હીના નરેલામાં રહેતી 28 વર્ષની વર્ષા બીજેપી કાર્યકર અને સ્કૂલ ટીચર હતી. વર્ષા 24મી ફેબ્રુઆરીથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ પછી વર્ષાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
વર્ષાનો મૃતદેહ એ જ શાળાની સ્ટેશનરીમાંથી મળી આવ્યો હતો જ્યાં તે શિક્ષિકા હતી. હકીકતમાં, જ્યારથી વર્ષા ગુમ થઈ હતી ત્યારથી સ્કૂલની અંદરની સ્ટેશનરી પણ બંધ હતી. આના પર વર્ષાના પિતાને શંકા ગઈ અને દુકાનનું તાળું તોડી નાખ્યું. બંધ દુકાનની અંદર જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. દુકાનમાંથી વર્ષાનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસની માહિતી અનુસાર, મૃતકના ગળા પર નિશાન છે. જેના કારણે ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીના મૃત્યુ બાદ તેનો મિત્ર પણ ગુમ હતો. થોડા સમય પછી, માહિતી મળી કે સોનીપત નજીક રેલવે ટ્રેક પર તે યુવકની લાશ મળી આવી છે. માનવામાં આવી રહ્યું છે કે યુવકે પહેલા વર્ષાની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી લીધી.