લોકસભાની ચૂંટણી જાહેર, આચારસંહિતા અમલી
- ચાર રાજ્યોની ધારાસભાની સામાન્ય અને કેટલાક રાજ્યોમાં ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી પણ એકસાથે જ થશે
- ભાજપના 400 બેઠકના નારાની કસોટી, ઈન્ડિયા ગઠબંધન ગડમથલમાં અને સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ
દેશની લોકસભાની ચૂંટણી અંતે આજે કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરી દેતા આજથી જ આચારસંહિતા અમલી થઈ ગઈ છે. દેશમાં લોકસભાની 542 બેઠકો સાથે ચાર રાજ્યો અરૂણાચલ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને સિક્કિમની ધારાસભાની સામાન્ય ચૂંટણી તેમજ ગુજરાત સહિત કેટલાક રાજ્યોની ધારાસભાની ખાલી બેઠકોની પેટાચૂંટણી પણ જાહેર કરવામા આવી છે.દેશમાં પ્રથમ વખત ચૂંટણીનો માહોલ એક તરફી જોવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ માટે અસ્તિત્વના સવાલ જેવી બની રહેવાનો અંદાજ છે. તમામ ઓપીનિયન પોલ ભાજપ તરફી દર્શાવાય છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ-એનડીએ 400 બેઠકોના લક્ષ્યાંક સાથે જોરશોરથી આગળ વધી રહેલ છે. જ્યારે ‘ઈન્ડિયા’ ગઠબંધનનો સંઘ હજુ સુધી સ્પષ્ટ થયો નથી ત્યારે એકતરફી ચૂંટણીના કારણે મતદારોમાં નિરસતા જોવા મળી રહી છે.
લોકસભાની ચૂંટણી સાતથી આઠ તબક્કામાં યોજાય તેવી શક્યતા છે. ચૂંટણી કમિશન તરફ દેશભરની મીટ મંડાયેલી છે.ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચૂંટણીની તારીખોની જાહેરાતનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતની સાથે જ આચાર સંહિતા અમલી બની જશે. હાલમાં તમામ પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. વર્તમાન લોકસભાની મુદત 16 જૂને પૂર્ણ થાય છે અને તે અગાઉ નવા ગૃહની રચના થવી જોઇએ. ગત વખતે 10મી માર્ચે લોકસભાની ચૂંટણી જાહેર થઇ હતી અને ચૂંટણી 11 એપ્રિલથી સાત તબક્કામાં યોજાઇ હતી. મતગણતરી 23 મેના રોજે થઇ હતી.
2014માં પણ ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે એક દિવસ અગાઉ પત્રકાર પરિષદ માટે આમંત્રણ મોકલ્યું હતું. લોકસભાની આગામી ચૂંટણી માટે 12 લાખથી વધુ મતદાન મથકો પરથી આશરે 97 કરોડ મતદારો મતદાનનો ઉપયોગ કરશે. ગઇ સંસદીય ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. કોંગ્રેસને માત્ર 52 બેઠકો જ મળી હતી. તે લોકસભામાં વિપક્ષના નેતાના પદનો દાવો કરવા માટે પૂરતી સંખ્યા એકત્ર કરી શક્યું નહોતું. જોકે 2024ની સંસદીય ચૂંટણી વિરોધ પક્ષના ઈન્ડિયા ગઠબંધન માટે નકરો અથવા મરોથ તરીકે જોવામાં આવે છે. બીજી બાજુ ભાજપની આગેવાનીમાં એનડીએનું જોડાણ આ વખતે લોકસભામાં 400થી વધુ બેઠકો જીતવાનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો કરે છે. અનેક ઓપિનિયન પોલમાં ભાજપ ફરી વાર ઐતિહાસિક જીત હાંસલ કરશે તેવો દાવો કરાયો છે.