લોકસભા ચૂંટણીની તારીખો જાહેર: સાત તબક્કામાં મતદાન, 4 જુને પરિણામ, ગુજરાતમાં 7મેએ વોટિંગ
લોકસભા 2024ની ચૂંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી છે અને આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. આજે દિલ્હી ખાતે કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં યોજવામાં આવશે. જયારે તા.4 જૂને પરિણામો જાહેર થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજવામાં આવશે. આ માટે જાહેરનામું 12 એપ્રિલના રોજ બહાર પડશે.
લોકસભા 2024ની 543 બેઠકો માટેની ચૂંટણી આજે જાહેર કરવામાં આવી હતી. જે કુલ 7 તબક્કામાં યોજવામાં આવશે. સમગ્ર દેશમાં કુલ 96.88 કરોડ મતદારોની નોંધણી થયેલ છે અને આ મતદારો માટે 12 લાખ થી વધારે મતદાન મથકો પર ચૂંટણી યોજવામાં આવશે. ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે 12 એપ્રિલના રોજ જાહેરનામું બહાર પડશે. ત્યારબાદ 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. 22 એપ્રિલ સુધીમાં ફોર્મ પાછા ખેંચવામાં આવશે અને તમામ બેઠકો પર એકજ તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાશે.
મતદાન બાદ સમગ્ર દેશમાં એક સાથે 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. હાલમાં ચાલી રહેલી 17મી લોકસભાની મુદત 16 જૂન 2024નાં રોજ પુરી થતી હોય તે પહેલા નવી સરકારની સપથ વિધી પણ મે મહિનાના અંતમાં યોજવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં વિશ્વમાં સૌથી વધુ 96.88 કરોડ મતદારો લોકસભા ચૂંટણીમાં મતદાન માટે નોંધાયેલા છે. જેમાં 1.82 કરોડ નવા મતદારો ઉમેરાયા છે ત્યારે દેશમાં 100 વર્ષથી ઉપરના મતદારોની સંખ્યા 2.18 લાખ હોવાનું ચૂંટણી કમિશ્નરે જાહેર કર્યું છે. લોકસભાની ચૂંટણી માટે કુલ 55 લાખ ઈવીએમ અને 10 મતદાન મથકો તૈયાર કરાયા છે. જ્યારે 1.5 કરોડ અધિકારીઓ ચૂંટણી ફરજ બજાવશે તેમ જણાવ્યું હતું.