બંગાળમાં BJPના નેતા પર ફાયરિંગનો LIVE વીડિયો, 6 રાઉન્ડ ફાયર થતા બે લોકો ઘાયલ
કોલકાતામાં ટ્રેઈની ડોક્ટરનો રેપ-હત્યાને લઈને બંગાળમાં ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થી સંગઠનોની રેલી બાદ ભાજપે આજે 12 કલાક બંધનું એલાન આપ્યું છે. આ દરમિયાન ભાજપના સ્થાનિક નેતા પર હુમલો થયો હતો. આ ઘટના ઉત્તર 24 પરગણાના ભાટપારા વિસ્તારમાં બની હતી.
આ હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક અજાણ્યો વ્યક્તિ સ્થાનિક બીજેપી નેતા પ્રિયંગુ પાંડેની કાર પર ફાયરિંગ કરી રહ્યો છે.હુમલાખોરે પાંડેની કાર પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં કારનો કાચ તૂટી ગયો અને ગોળી ડ્રાઈવરને વાગી. આ હુમલામાં પ્રિયંગુને પણ ઈજા થઈ છે. આ હુમલામાં કુલ બે લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ હુમલા બાદ બીજેપી નેતા શુભેંદુ અધિકારીએ કહ્યું કે ટીએમસીના ગુંડાઓએ બીજેપી નેતાના વાહન પર ગોળીબાર કર્યો. વાહન ચાલકને ગોળી વાગી છે. આ રીતે મમતા બેનર્જી અને ટીએમસી ભાજપને રસ્તા પરથી હટાવવાનો પ્રયાસ કરી રહી છે. બંધ સફળ રહ્યો છે અને લોકોએ તેનું દિલથી સ્વાગત કર્યું છે. પોલીસ અને ટીએમસીનું ઝેરી કોકટેલ હવે ભાજપને ડરાવી શકશે નહીં.
ભાજપના બંગાળના નેતા અર્જુન સિંહે આ સમગ્ર ઘટનાનો ખુલાસો કરતા કહ્યું કે પ્રિયંગુ પાંડે અમારી પાર્ટીના નેતા છે. તે કારમાં આવી રહ્યા હતાં. વાહન આવતાની સાથે જ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જ્યારે વાહન ન રોકાયું ત્યારે ગોળીઓ ચલાવવામાં આવી હતી. ડ્રાઇવરને કપાળ પર ગોળી વાગી હતી. ગોળી વાગ્યા બાદ તે પડી ગયો હતો. અનેક રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો છે. ACPની હાજરીમાં આ ઘટના બની હતી. આ એક સારી રીતે વિચારેલી વ્યૂહરચનાના ભાગરૂપે થયું છે.