GST સાથે જીવન બદલાશે; ખાવું-ફરવું-રહેવું-મનોરંજન સસ્તું
લકઝરી જીવન મોંઘું બનશે, દૂધ, પનીર, રોટી-પરાઠા પર કોઇ ટેક્સ નહીં, શેમ્પૂ-સાબુ, નમકીન 5 ટકાના સ્લેબમાં: કાર-બાઇક, સિમેન્ટ પર 28 ટકાના બદલે 18 ટકા, 33 જીવનરક્ષક દવાઓ વેરામુક્ત: સિગારેટ, ગુટકા, હળવા પીણાં પર 40 ટકા ટેકસ: ઇવી કાર પર 5 ટકાનો દર યથાવત: 22મીથી અમલ
GST કાઉન્સિલની 56મી બેઠક બુધવારે (3 સપ્ટેમ્બર) નવી દિલ્હીમાં શરૂૂ થઈ હતી. નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં અનેક પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી. નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે, હવે ફક્ત બે GST સ્લેબ રહેશે, જે 5% અને 18% હશે. આનો અર્થ એ થયો કે હવે 12 અને 28% ના GST સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે અને તેમાં સમાવિષ્ટ મોટાભાગની વસ્તુઓ ફક્ત બે માન્ય ટેક્સ સ્લેબ હેઠળ આવશે. આના કારણે, ઘણી વસ્તુઓ સસ્તી થશે. જોકે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે એક અલગ સ્લેબ મંજૂર કરવામાં આવ્યો છે, જે 40% છે.નાણાંમંત્રી નિર્મલા સીતારમણે GST બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે વાત કરતા કહ્યું કે, અમારું ધ્યાન દેશના સામાન્ય માણસ પર છે.
ખેડૂતોથી લઈને મજૂર સુધીના બધાને ધ્યાનમાં રાખીને, સ્લેબ ઘટાડવાને મંજૂરી આપવામાં આવી છે અને બેઠકમાં હાજર તમામ રાજ્યોના નાણામંત્રીઓએ આ નિર્ણયને ટેકો આપ્યો હતો. સમયની માંગને સમજીને, બધાએ આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં સંપૂર્ણ સંમતિ વ્યક્ત કરી.
યુએચટી દૂધ, પનીર, પીઝા બ્રેડ, રોટલી, પરાઠા, હવે શૂન્ય જીએસટી સ્લેબમાં મૂકવામાં આવ્યા છે અને તેના પર કોઈ જીએસટી લાગશે નહીં. આ ઉપરાંત, સામાન્ય માણસ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપતા, નાણાંમંત્રીએ કહ્યું કે શેમ્પૂ, સાબુ, તેલ અને રોજિંદા જીવનમાં વપરાતી અન્ય ઘરગથ્થુ વસ્તુઓ ઉપરાંત, નમકીન, પાસ્તા, કોફી, નૂડલ્સ પર હવે 5% જીએસટી લાગશે. આ ઉપરાંત, કાર, બાઇક, સિમેન્ટ પર હવે 28% ને બદલે 18% ટેક્સ લાગુ થશે. ટીવી પરનો જીએસટી 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે, જ્યારે 33 જીવનરક્ષક દવાઓને જીએસટી સ્લેબમાંથી બહાર રાખવામાં આવી છે. આમાં ત્રણ કેન્સરની દવાઓનો પણ સમાવેશ થાય છે. સૌથી મોટી વાત એ છે કે કોઇપણ શ્રેણીની ઇવી કાર પર પાંચ ટકા દર ચાલુ રહેશે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવાયો છે. અગાઉ એવી અટકળો હતી કે 20 લાખથી ઉપરની કાર પર 18 ટકા ટેકસ લેવાશે.
સુપર લક્ઝરી વસ્તુઓને 40 ટકાની ખાસ શ્રેણીમાં રાખવામાં આવી છે. પાન મસાલા, સિગારેટ, ગુટકા અને અન્ય તમાકુ ઉત્પાદનો, બીડીને આ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. ફ્લેવર્ડ કાર્બોનેટેડ ડ્રિંક્સને પણ આ સ્લેબ હેઠળ રાખવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા તમામ નિર્ણયો 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે, એટલે કે, આ તારીખથી બધી વસ્તુઓ સસ્તી થશે. નોંધનીય છે કે, GST સુધારાની જાહેરાત 15 ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આ પહેલી કાઉન્સિલ બેઠક હતી જેમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
આગામી પેઢીના GST સુધારા હેઠળ GST કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયેલા પ્રસ્તાવ પર નજર કરીએ, તો GST ના હાલના ચાર સ્લેબ ઘટાડીને બે કરવામાં આવ્યા છે. 12% અને 28% શ્રેણીઓ નાબૂદ કરવામાં આવી છે. આ પછી, 12% સ્લેબમાં સમાવિષ્ટ લગભગ 99 ટકા પ્રોડક્ટને 5% સ્લેબમાં મૂકી શકાય છે, જ્યારે 28% સ્લેબના GST સ્લેબમાં સમાવિષ્ટ વસ્તુઓને 18% સ્લેબમાં લાવી શકાય છે.
લોકોનું જીવનધોરણ સુધરશે: મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી કાઉન્સિલ દ્વારા કર માળખામાં કરાયેલા મોટા સુધારાઓની પ્રશંસા કરી છે. વડા પ્રધાને કહ્યું કે આ સુધારાઓ સામાન્ય લોકોનું જીવન સરળ બનાવશે અને ખાસ કરીને ખેડૂતો, MSME અને મધ્યમ વર્ગને સીધો લાભ થશે. વડા પ્રધાને વધુમાં ઉમેર્યું કે આ સુધારાઓનો સીધો લાભ ઘણાં ક્ષેત્રોને થશે. તેમણે કહ્યું કે આનાથી ખેડૂતો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME ), મધ્યમ વર્ગના પરિવારો, મહિલાઓ અને યુવાનોને સીધો ફાયદો થશે. આ પગલું ટેક્સ પ્રણાલીને સરળ અને વધુ ન્યાયી બનાવવાની દિશામાં એક મોટું પગલું છે, જેનાથી દેશના આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
શું સસ્તું થશે
માથાનું તેલ, સાબુ, સેમ્પુ, ટુથબ્રશ, ટુથપેસ્ટ, ટેબલ વેર, રસોડાના વાસણો અન્ય ઘરગથ્થુ વસ્તુઓ
અલ્ટ્રાહાઈટેમ્પરેચર દૂધ, પેકેજડ પનીર-બટર,
રોટલી, પરોઠા સહિતની ભારતીય બ્રેડ
પેકેજડ નમકીન, ગાંઠીયા, ભુજીયા, ચટણી, પાસ્તા, ઈસ્ટન નુડલ્સ, ચોકલેટ, કોફી, પ્રિઝર્વ્ડ મીટ (માંસ), કોર્નફલેકસ, માખણ, ઘી,
એરક્ધડીશનીંગ મશીનો, 32 ઈંચના ટીવી, વાસણ ધોવાના મશીન,
350 સીસી અને તેનાથી ઓછી ક્ષમતાના મોટર સાઈકલ
કૃષિ માલ, ટ્રેકટર, ખેતી કરવા માટે અથવા બાગાયતી કે વનીકરણની મશીનરી, લણણી અથવા થ્રેશીંગ મશીનરી
ખાતર બનાવવાની મશીનરી, ઘાસ કાપવાની મશીનરી
હસ્તકલા માર્બલ, ગ્રેનાઈટ
સિમેન્ટ
2500 રૂપિયાથી ઓછી કિંમતના ફુટવેર
કેન્સર જેવા દુર્લભ રોગો કે ગંભીર રોગોની સારવાર માટે વપરાતી 36 જીવન રક્ષક દવાઓ (જીએસટી શૂન્ય)
અન્ય બધી દવાઓ (જીએસટી 12 ટકા) ઘટાડી 5 ટકા
તબીબી, સર્જિકલ, ડેન્ટલ અથવા વેટરનરી ઉપયોગ માટે અથવા કેમીકલ એનાલીસીસ માટે લેવાતા તબીબી સાધનો
પાટાપીંડી, ગલુકોમીટર, ડાયગ્નોસ્ટિક કીટ
બસ, ટ્રક, એમ્બ્યુલન્સ,
1200 સીસી થી ઓછી ક્ષમતા વાળી પેટ્રોલ કાર
1500 સીસી થી ઓછી ક્ષમતા વાળી ડીઝલ કાર
તમામ ઓટો પાર્ટસ
થ્રી વ્હિલર્સ (રીક્ષા, છકડા)
ખાતર બનાવવા માટે વપરાતા સેલફયુરીક અને નાઈટ્રીક એસીડ અને એમોનિયા
રીન્યુએબલ એનર્જી ક્ષેત્રની તમામ આઈટમ અને ઉત્પાદન માટે વપરાતા પાર્ટસ
7500 રૂપિયાથી ઓછા રૂમ ભાડા ધરાવતી હોટલનો સ્ટે
જીમ, સલૂન્સ, વાળંદ અને યોગા સેન્ટરની ફી
શું મોંઘું થશે
પાન-મસાલા, ગુટખા, સિગારેટ, જરદા, બીડી, તમાકૂ, સુગંધીત તમાકુ
વ્યક્તિગત ઉપયોગ માટે ઈમ્પોટ કરાતી વસ્તુઓ
ઠંડા પીણા, ખાંડ ભેળવેલ પીણા
1200 સીસીથી વધુ પેટ્રોલ એન્જીન અને 1500 સીસીથી વધુ ડીઝલ એન્જીન ધરાવતી પ્રિમીયમ કાર
350 સીસીથી વધુ ક્ષમતાના મોટર સાયકલ
ટ્રાન્સપોટેશનની સેવાઓ
સરકારી કામના કોન્ટ્રાકટ (12થી વધારી 18 ટકા જીએસટી)
સરકારી કામના પેટા કોન્ટ્રાકટ પર (12થી વધારી 18 ટકા જીએસટી)
ઈકોનોમીક કલાસ સિવાયની હવાઈ મુસાફરી (12 થી વધારે 18 ટકા જીએસટી)
ઓપરેટર વગર સામાન કે મશીનરી ભાડે આપવાની સેવા પર 0 ટકા જીએસટી
તમામ પ્રકારના જોબ વર્ક (12 થી વધારે 18 ટકા જીએસટી)
કેસીનો, રેસ કલબ અને આઈપીએલ જેવી ટુર્નામેન્ટની એન્ટ્રી ફી પર 0 ટકા જીએસટી
ઓનલાઈન ગેમીંગ કે સટ્ટામાં જીતેલી રકમ પર 0 ટકા જીએસટી