દેશમાં જીવનવીમાની લોકપ્રિયતા ઘટી, પ્રીમિયમ વધ્યું
વૈશ્ર્વિક વલણોથી વિપરિત ભારતમાં વીમાનું પેનેટ્રેશન 2023-24માં ઘટી માત્ર 3.7% થયું: પ્રીમિયમ કલેક્શન 6% વધ્યું
ભારતના ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રી વોચડોગના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં વીમાનો પ્રવેશ પ્રેનેટ્રેશન જે પહેલાથી જ ઓછો હતો, તે ગયા નાણાકીય વર્ષમાં વધુ ઘટીને 2.8% થઈ ગયો છે. આ વૈશ્વિક વલણથી તદ્દન વિપરીત છે. જો કે, જીવન વીમા કંપનીઓ દ્વારા પ્રીમિયમ કલેક્શનમાં 6% નો વધારો જોવા મળ્યો હતો.
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ આ અઠવાડિયે તેનો વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે ભારતનો વીમા પ્રવેશ 2022-23માં 4%ની સરખામણીએ 2023-24માં ઘટીને 3.7% થયો છે.
જીવન વીમા ઉદ્યોગ માટે વીમાનો પ્રવેશ એટલે કે વ્યાપ પાછલા વર્ષના 3% થી 2023-24 દરમિયાન નજીવો ઘટીને 2.8% થયો, IRDAI અહેવાલમાં જણાવાયું છે. નોન-લાઈફ અથવા જનરલ ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રીમાં પેનિટ્રેશન 1% રહ્યું હતું.
વીમા પ્રવેશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) દ્વારા એક વર્ષમાં ચૂકવવામાં આવતા પ્રીમિયમની કુલ રકમનું માપ, વીમા ઉત્પાદનોની લોકપ્રિયતા અને લોકોને કેટલી હદ સુધી આવરી લેવામાં આવે છે તે દર્શાવે છે. આ ઘટાડો ચિંતાજનક છે કારણ કે વિકસિત દેશો અથવા વૈશ્વિક સરેરાશની સરખામણીમાં ભારત પહેલેથી જ ઓછો વીમા પ્રવેશ ધરાવતો દેશ છે.
હકીકતમાં, ભારતમાં વીમાના પ્રવેશમાં ઘટાડો થવાનું આ સતત બીજું વર્ષ છે. કોવિડ રોગચાળા પાછળ 2021-22માં વીમા પ્રવેશ 4.2% ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. વૈશ્વિક સ્તરે, વીમા પ્રવેશ 2022 માં 6.8% થી વધીને 2023 માં 7% થયો છે.
વીમા કંપનીઓએ 11% દાવા નકારી કાઢયા
IRDAI રિપોર્ટ પ્રમાણે, વીમા કંપનીઓએ કુલ દાવાની સંખ્યાના લગભગ 83% પતાવટ કરી અને તેમાંથી લગભગ 11% નકારી કાઢ્યા. બાકીના લગભગ 6% 31 માર્ચ, 2024 સુધીમાં સેટલમેન્ટ માટે પેન્ડિંગ હતા. જીવન વીમા ઉદ્યોગે 2023-24માં કુલ રૂૂ. 5.77 લાખ કરોડના લાભો ચૂકવ્યા હતા, જે ચોખ્ખા પ્રીમિયમના 70.22% નો હિસ્સો છે. સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓએ 2.69 કરોડ સ્વાસ્થ્ય વીમા દાવાઓની પતાવટ કરી હતી અને આરોગ્ય વીમા દાવાઓની પતાવટ માટે રૂૂ. 83,493 કરોડ ચૂકવ્યા હતા. દાવા દીઠ ચૂકવવામાં આવેલી સરેરાશ રકમ રૂૂ. 31,086 હતી.