લોખંડી પુરુષની શીખ: એકતા એ જ તાકાત
ભારતની ધરતી અનેક મહાન પુરુષોથી ધન્ય છે. જેમણે પોતાના જીવનથી રાષ્ટ્રને નવી દિશા આપી. અનેક વીરલાઓએ પોતાના અડગ સંકલ્પ, અખંડ ઈચ્છાશક્તિ અને અપાર દેશપ્રેમથી સમગ્ર ભારતને એક તાંતણે બાંધ્યું. એવા મહાન પુરુષોમાંથી એક તેજસ્વી નામ છે, લોખંડી પુરુષ - સરદાર વલ્લભભાઈ પટેલ. જે માત્ર એક વ્યક્તિ જ નહોતા, પણ એક ક્રાંતિકારી વિચાર, એક ગજબ શક્તિ અને મહાન પ્રેરણાસ્ત્રોત હતાં. તેમણે પોતાનાં જીવનથી બતાવ્યું કે, સાચી દેશભક્તિ માત્ર શબ્દોમાં નહીં, પણ કર્મોમાં દેખાવી જોઈએ.
આપણો દેશ 1947માં સ્વતંત્ર થયો ત્યારે સૌથી મોટો પડકાર હતો એકતા. દેશના 562 રજવાડા અલગ અલગ હતાં. સૌને જોડીને એક ભારત બનાવવાનું કામ સરદાર પટેલે પોતાની અડગ અને અદમ્ય ઈચ્છાશક્તિથી કરી બતાવ્યું. જો આ રજવાડા ભારત સાથે જોડાયા ના હોત તો આજે ભારત અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયો હોત. સરદારે રાજાઓને પોતાનાં હિત માટે સ્વાર્થી ના બનવા અનેક પ્રયત્નો કરીને છેવટે રાષ્ટ્રનાં હિતાર્થે એક રાષ્ટ્ર કર્યું. પોતે રાજકીય બુદ્ધિ, ધૈર્ય અને દેશપ્રેમ વડે અખંડ ભારતની રચના કરી. તેમણે ફક્ત રાજ્યોને જ નહીં, લોકોના દિલને પણ જોડ્યા. તેમના આ યોગદાનને કારણે જ તેમને ‘લોખંડી પુરુષ’ કહેવાય છે.
સ્વતંત્રતા આંદોલનમાં સરદાર પટેલે અનેક આગવી મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. તેમના દરેક શબ્દો લોકોના દિલમાં પ્રચંડ જ્યોત પ્રગટાવતા, અસલી શક્તિ તલવારમાં નહીં, પણ એકતા અને સંકલ્પમાં ભરેલી છે. તેમના નેતૃત્વ હેઠળ ખેડૂત આંદોલન, બારડોલી સત્યાગ્રહ જેવા ઘણા આંદોલનમાં સફળતા મળી હતી. બારડોલી સત્યાગ્રહના વિજય બાદ લોકો તેમને પ્રેમપૂર્વક સરદાર તરીકે ઓળખવા લાગ્યા. આ નામ તેમની ઓળખ જ બની ગયું.
દર વર્ષે 31 ઓક્ટોબરનો દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવાય છે. કારણકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પણ આ જ દિવસે છે. આ દિવસે દરેક ભારતીય લોકોએ સંકલ્પ લેવો જોઈએ કે, ‘અમે દેશની અખંડતા અને એકતા માટે હંમેશા સમર્પિત રહીશું. આ એકતા દિવસ આપણને એ યાદ અપાવે છે કે જો સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતા ના હોત તો કદાચ આજે આપણું ભારત આટલું શક્તિશાળી, અખંડ ભારત અને વિવિધતામાં પણ એકતાના દર્શન ના થતાં હોત.’
ભારતમાં 2018મા ગુજરાતનાં નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રતિમા જ નહીં, પરંતુ સરદારના વિચારોનું જીવંત પ્રતિક છે. વિશ્વ લેવલે આજે સરદાર પટેલની તથા તેમના સ્ટેચ્યુની વાહ વાહ થઈ રહી છે. તે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે, પરંતુ તેના કરતાં પણ ઉંચી તેની વિચારસરણી છે. યુવાનો માટે તેમનો સંદેશો હતો, ‘તમારુ શિક્ષણ માત્ર ડિગ્રી માટે ના હોવું જોઈએ, પરંતુ રાષ્ટ્ર માટે હોવું જોઈએ. મનમાં ઈમાનદારી, હૃદયમાં દેશપ્રેમ અને હાથમાં પરિશ્રમ હોય તો કોઈપણ અશક્ય કામ શક્ય બની શકે છે.’ આ લોખંડી પુરુષના વિચારોને જો યુવાનો દિલમાં ધરબી દે તો કોઈ શત્રુ દેશ આંખ ઉંચી કરીને પણ ના જોઈ શકે. અરે, દેશમાં પણ આવા ક્રાંતિકારી વિચારો સામે ભ્રષ્ટાચારી તો ડરતા ફરે, પણ યુવાન જો સરદારના પગલે ચાલે તો.
સરદાર પટેલ માત્ર રાજકીય નેતા જ નહોતા, પરંતુ એ એક ક્રાંતિકારી વિચાર, એક સંકલ્પ અને એક જીવંત પ્રેરણા છે જે હંમેશા દરેક ભારતીયના હૃદયમાં જીવંત રહેશે. સત્યના માર્ગે છો તો ડરવાની કોઈ જરૂર નથી. સરદારના આવા અનેક વિચારો આજના યુવાનો માટે સૌથી મોટી પ્રેરણા છે. આજે આમ પણ આપણા સમાજને એક્તાની સૌથી વધુ જરૂૂર છે. ભેદભાવ, જાતિ, ભાષા કે પ્રાંતની દિવાલો વચ્ચે અટવાઈ જવું એ આપણા જ વિકાસમાં અવરોધરૂૂપ છે.
એકતા એ તો સરદારની ભેટ,
દેશપ્રેમ એ તેમની વારસાગત,
જ્યાં રહે આ બે ભાવના જીવંત,
ત્યાં રહે ભારત અખંડ, અડગ ને અજય.