મદની જેવા નેતાઓ અસલામતીની લાગણી પેદા કરી મુસ્લિમોનું જ અહિત કરી રહ્યા છે
જમીઅત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની પાછા વરતાયા છે અને આ વખતે થોડાક લવારા કર્યા છે તો કેટલીક શાણપણભરી વાતો પણ કરી છે. મદનીએ ભોપાલમાં એક કાર્યક્રમમાં બોલતાં ન્યાયતંત્રના ચુકાદાઓ સામે શંકા વ્યક્ત કરી નાખી તો સામે મુસ્લિમોએ હિંદુઓ સાથે સંવાદ કરવો જોઈએ એવી શાણપણભરી વાત પણ કરી દીધી. મદનીએ ટ્રિપલ તલાક અને બાબરી મસ્જિદ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાઓનો હવાલો આપીને કહ્યું કે, ન્યાયતંત્રે છેલ્લા કેટલાંક વરસોમાં આપેલા ચુકાદાઓ પરથી લાગે કે, બંધારણે લઘુમતીઓને આપેલા અધિકારોનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે. 1991માં બનેલો પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ અમલી હોવા છતાં ધર્મસ્થાનો અંગેના વિવાદોમાં ન્યાયતંત્ર નિર્ણય લઈ રહ્યું છે તેના પરથી આ વાત સ્પષ્ટ છે.
મદનીએ એમ પણ કહ્યું કે, ટ્રિપલ તલાક અને બાબરી મસ્જિદ કેસમાં આવેલા ચુકાદા પરથી લાગે છે કે, ન્યાયતંત્ર સરકારના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. મદનીએ એવો દાવો પણ કર્યો કે, જ્યાં પણ જુલ્મ હશે ત્યાં જિહાદ થશે જ. મદનીના કહેવા પ્રમાણે, જિહાદ પવિત્ર શબ્દ છે અને તેનો અર્થ ધર્મયુદ્ધ એવો થાય છે પણ લવ જિહાદ, થૂક જિહાદ, જમીન જિહાદ જેવા શબ્દોનો પ્રયોગ કરીને આ પવિત્ર શબ્દોને બદનામ કરાઈ રહ્યા છે. મદનીએ એવો દાવો પણ કર્યો કે, સેક્યુલર ભારતમાં જિહાદની ચર્ચા જ ના કરાય કેમ કે ભારતમાં મુસ્લિમો બંધારણને વફાદાર છે પણ નાગરિકોના અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી પણ સરકારની છે. સરકાર આ જવાબદારી ના નિભાવે તો તેનાં માઠાં પરિણામ આવશે.
મદનીએ એવું વિચિત્ર ગણિત પણ રજૂ કર્યું છે કે, ભારતમાં અત્યારે 10 ટકા લોકો મુસ્લિમોના પક્ષમાં છે, 30 ટકા લોકો મુસ્લિમોની વિરુદ્ધ છે જ્યારે 60 ટકા લોકો ચૂપ છે. મુસ્લિમોએ આ 60 ટકા લોકો સાથે સંવાદ કરવો જોઈએ અને પોતાની વાત તેમની સામે મૂકવી જોઈએ કેમ કે આ લોકો મુસ્લિમોની વિરુદ્ધ થઈ જશે તો દેશમાં બહુ મોટો ખતરો પેદા થઈ જશે. મદનીએ વંદે માતરમ બોલવા સામે પણ વાંધો લઈને કહ્યું છે કે, મડદાલ સમાજ શરણાગતિ સ્વીકારી લે છે. મદનીએ અઠવાડિયા પહેલાં પણ એવો લવારો કરેલો કે, સાદિક ખાન લંડનના મેયર બની શકે છે અને ઝોહરાન મમદાની જેવા નેતા ન્યૂયોર્કના મેયર બની શકે છે પણ ભારતમાં સ્થિતિ એ છે કે કોઈ મુસ્લિમ કોઈ યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર એટલે કે કુલપતિ પણ ના બની શકે. મુદનીની વાતનો સૂર એ હતો કે, ભારતમાં મુસ્લિમોને યોગ્ય પ્રતિનિધિત્વ કે હોદ્દા મળતા નથી અને તેમને દબાવી દેવાયા છે. મદની સહિતના નેતાઓ આ પ્રકારની વાતો કરીને પોતાની દુકાન ચલાવવા માગે છે એ વાત મુસ્લિમોએ સમજવી જરૂૂરી છે.