CMથી માંડી PM સુધીના નેતાઓની રતન ટાટાને શોકાંજલિ
મોદી, અમિત શાહ, રાજનાથ, રાહુલ ગાંધી, ખડગે, ગડકરી, ભૂપેન્દ્રભાઇ સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો
દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. તેઓ કેટલાક સમયથી બીમાર હતા. રતન ટાટાના નિધનના સમાચાર બાદ દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પીએમ મોદી, રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, પદ્મશ્રી રતન ટાટાજી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા.તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં, તેમનું યોગદાન બોર્ડ રૂૂમથી ઘણું આગળ હતું.
મારું મન રતન ટાટાજી સાથેની અસંખ્ય વાતચીતોથી ભરાઈ ગયું છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે હું તેમને અવારનવાર મળતો હતો. અમે વિવિધ મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરતા. મને તેમનો દ્રષ્ટીકોણ ખૂબ સમૃદ્ધ લાગતો. જ્યારે હું દિલ્હી આવ્યો ત્યારે આ વાતચીત ચાલુ જ રહી. તેમના નિધનથી ખૂબ જ દુ:ખી છું. દુ:ખની આ ઘડીમાં મારા સંવેદનાઓ તેમના પરિવાર, મિત્રો અને ચાહકો સાથે છે.
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટર પર પોતાની પોસ્ટમાં કહ્યું કે તેઓ રતન ટાટાના નિધનથી દુખી છે. તેઓ ભારતીય ઉદ્યોગના અગ્રણી હતા જેઓ દેશના અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, તેઓ પીઢ ઉદ્યોગપતિ અને સાચા રાષ્ટ્રવાદી, રતન ટાટાના નિધનથી ખૂબ જ દુ:ખી છે. તેમણે આપણા રાષ્ટ્રના વિકાસ માટે નિ:સ્વાર્થપણે પોતાનું જીવન સમર્પિત કર્યું.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ડ પર પોસ્ટ કર્યું કે, દેશના ગૌરવશાળી પુત્ર રતન ટાટા જીના નિધનના સમાચાર સાંભળીને તેઓ આઘાતમાં છે. મને તેમની સાથે ત્રણ દાયકાથી વધુ સમયથી ગાઢ અંગત અને ગાઢ કૌટુંબિક સંબંધ રાખવાનો વિશેષાધિકાર મળ્યો હતો. તેમના જીવનમાં પ્રામાણિકતા અને કરુણાના મૂલ્યોને મૂર્તિમંત કર્યા, જે ઘણા લોકો માટે પ્રેરણા સ્ત્રોત હતા.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે વ્યવસાય અને પરોપકાર બંને પર અમીટ છાપ છોડી છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના નિધનથી આપણે ભારતનો એક અમૂલ્ય પુત્ર ગુમાવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રતન ટાટાના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું, રતન ટાટા જીના નિધનથી ખૂબ જ દુ:ખી છું, એક સ્વપ્નદ્રષ્ટા નેતા જેમની વ્યાપાર કુશળતા અને અવિરત સમર્પણથી ભારતના વ્યવસાયિક લેન્ડસ્કેપમાં પરિવર્તન આવ્યું.નમ્રતા અને પ્રામાણિકતાની સાચી દીવાદાંડી, સમાજને પાછા આપવાનો તેમનો વારસો પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. તેમના પરિવાર, પ્રશંસકો અને ટાટા ગ્રુપ પ્રત્યે મારી દિલથી સંવેદના. ઓમ શાંતિ.