હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલન: બસ પર પહાડી કાટમાળ પડ્યો, 15 લોકોના મોત
હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં બલ્લુ બ્રિજ પાસે ભૂસ્ખલન થતાં 15 લોકોના મોત થયા છે. બ્રિજ નજીકથી એક બસ પસાર થઈ રહી હતી આ દરમિયાન અચાનક ભૂસ્ખલન થતાં બસ ભારે કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 15લોકોના મોત થયાં છે. ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો કાટમાળ દૂર કરવા અને ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, બસમાં 30 લોકો સવાર હતા.
હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે બસ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. કુલ 18 લોકો મળી આવ્યા છે. ત્રણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવો અંદાજ છે કે 25 થી 30 લોકો સવાર હતા. અકસ્માત પછી, આસપાસના વિસ્તારના રહેવાસીઓ પણ બચાવ અને રાહત કાર્યમાં જોડાયા હતા.
હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ બસ અકસ્માત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને રાહત કામગીરી ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકોના આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે મજબૂતીથી ઉભી છે અને તેમને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડશે.
મુખ્યમંત્રી જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે અને રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. તેમણે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોમાં લઈ જવામાં આવે અને તેમની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી શિમલાથી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલાસપુર જિલ્લામાં થયેલા દુ:ખદ બસ અકસ્માત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી નાણાકીય સહાયની જાહેરાત કરી છે.
પીએમ મોદીએ કહ્યું કે આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને 2 લાખ રૂપિયાની નાણાકીય સહાય મળશે. દરમિયાન, અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, "બિલાસપુરમાં થયેલ બસ અકસ્માત ખૂબ જ દુ:ખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું."