લાલુ યાદવની સજા વધશે: CBIની અપીલ કોર્ટે સ્વીકારી
ઝારખંડ હાઇકોર્ટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ સહિત ત્રણ આરોપીઓની સજા વધારવા માટે સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી ફોજદારી અપીલ સ્વીકારી લીધી છે. ઘાસચારા કૌભાંડમાં દેવઘરમાંથી 89 લાખ રૂૂપિયાની છેતરપિંડીથી નિકાસના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા લોકોની સજા વધારવા માટે સીબીઆઈએ અરજી દાખલ કરવામાં આવી હતી.
જસ્ટિસ રંગોન મુખોપાધ્યાય અને જસ્ટિસ અંબુજ નાથની બેન્ચે સીબીઆઈની દલીલો સાંભળ્યા બાદ અરજી સ્વીકારી લીધી છે. મળતી માહિતી મુજબ, ઘાસચારા કૌભાંડમાં દેવઘર ટ્રેઝરીમાંથી ગેરકાયદે ઉપાડના કેસમાં સીબીઆઈના સ્પેશિયલ જજની કોર્ટે આપેલી સજા વધારવા માટે સીબીઆઈએ ફોજદારી અપીલ દાખલ કરી હતી.
સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં લાલુ પ્રસાદ, બેક જુલિયસ, સુબીર ભટ્ટાચાર્ય, આર.કે. રાણા, ફૂલચંદ સિંહ અને મહેશ પ્રસાદ નામના છ દોષિતોની સજા વધારવાની વિનંતી કરવામાં આવી હતી. આમાંથી આર.કે. રાણા, ફૂલચંદ સિંહ અને મહેશ પ્રસાદનું અવસાન થયું છે, તેથી કોર્ટે બાકીના ત્રણ લોકોના કેસની સુનાવણી હાથ ધરી હતી.