કુવૈત-હૈદરાબાદ ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ
કુવૈતથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડવાની ધમકી મળતાં ખળભળાટ મચ્યો હતો. આ ધમકીને લઈને વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા વિમાનને એરપોર્ટના આઇસોલેશન બેમાં મોકલી દીહું છે અને તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર,કુવૈતથી હૈદરાબાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E-1234 ને મંગળવારે સવારે બોમ્બની ધમકી મળી હતી. હૈદરાબાદ એરપોર્ટને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વિમાનમાં બોમ્બ છે. આ ધમકીને લઈને એર ટ્રાફિક કંટ્રોલ એ તાત્કાલિક પગલાં લેતા ફ્લાઇટને મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઈમાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. એરલાઈન દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરપોર્ટ અધિકારીઓએ આ ધમકીને ખૂબ જ ગંભીર ગણાવી છે. મુંબઈ એરપોર્ટ પર કડક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. ખાસ સુરક્ષા ટીમો સ્ટેન્ડબાય પર છે. અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ધમકીની તપાસ ચાલુ છે. હજુ સુધી કોઈ વિસ્ફોટક હોવાની પુષ્ટિ થઈ નથી. આગળની માહિતી સુરક્ષા એજન્સીઓની તપાસ પછી જ સામે આવશે.