યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડની બ્રેન્ડ એમ્બેસેડર બની ક્રિતી સેનન
ક્રિતી સેનનના નામે એક નવી સિદ્ધિ જોડાઈ છે. તેને યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફન્ડની બ્રેન્ડ-ઍમ્બેસેડર બનાવવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થા મહિલાઓ, પુરુષો અને બાળકોના અધિકારો, આરોગ્ય અને સમાન તકો સાથે સુખી જીવનને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. બ્રેન્ડ-ઍમ્બેસેડર બન્યા પછી ક્રિતીએ બોલીવુડમાં હિરો-હિરોઇન વચ્ચે વેતનની અસમાનતા વિશે પણ વાત કરી હતી.
એક ઇન્ટરવ્યુમાં ક્રિતીએ પોતાની લાગણી જણાવતાં કહ્યું હતું કે બ્રેન્ડ-ઍમ્બેસેડર તરીકે પસંદગી પામવાને કારણે મને ખૂબ સારું લાગી રહ્યું છે. આ ખૂબ મોટું સન્માન છે અને એટલી જ મોટી જવાબદારી પણ. હું એ માટે ખૂબ ઉત્સાહી છું, કારણ કે મને હંમેશાં લાગતું હતું કે હું એવો કોઈ ફેરફાર લાવી શકું જે મારા દિલની નજીક હોય. મારું માનવું છે કે લિંગ અસમાનતા ખૂબ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. મને ખુશી છે કે હું યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફન્ડ સાથે મળીને આવા લોકો માટે હવે કંઈક કરી શકીશ, તેમનો સાથ આપી શકીશ. આ મારા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. હું મારા દેશનું વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ કરવા માગતી હતી અને એવા મુદ્દાઓ ઉઠાવવા માગતી હતી જેનાથી લોકોનું જીવન ખુશહાલ બની શકે.