કોલકતા રેપ કેસ: મેડિકલ કોલેજના પૂર્વ આચાર્ય સહિત ચાર તબીબના થશે પોલીગ્રાફ ટેસ્ટ
કોલકાતામાં આવેલી આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડો.સંદીપ ઘોષના પોલીગ્રાફ ટેસ્ટ માટે સીબીઆઈને મંજૂરી મળી ગઈ છે. ગુરુવારે, સંદીપ ઘોષ સિવાય CBIઅન્ય 4 તાલીમાર્થી ડોક્ટરો સાથે કોર્ટ પહોંચી હતી જેમણે મૃતક સાથે છેલ્લું ડિનર કર્યું હતું જે તમામના પોલીગ્રાફ ટેસ્ટ કરવામા આવનાર છે. આ કેસના મુખ્ય આરોપી સંજય રોયના પોલીગ્રાફ ટેસ્ટ માટે પણ પરવાનગી માંગવામાં આવી છે.
સીબીઆઈ આરોપીને પોલીગ્રાફ ટેસ્ટ અને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન માટે અરજી માટે સિયાલદાહ કોર્ટમાં લાવી હતી. પોલીગ્રાફ ટેસ્ટમાં, પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે જજ અને વ્યક્તિ બંનેની સંમતિ મેળવવી જરૂૂરી છે. સૂત્રોનું કહેવું છે કે સીબીઆઈએ આ પાંચેયના નિવેદનો સાચા છે કે નહીં તે જાણવા માટે તેમનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. આરોપી સંજય રોયના પોલીગ્રાફ ટેસ્ટનો મામલો પણ કોર્ટમાં છે, જેના પર આજે નિર્ણય લેવાનો છે.
કોલકાતાની ઘટનામાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષની મુશ્કેલીઓ સતત વધી રહી છે અને તેમની સામે દરરોજ નવા મોરચા ખુલી રહ્યા છે. બુધવારે સંદીપ ઘોષને પહેલો મોટો ફટકો ત્યારે લાગ્યો જ્યારે હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ડો.ઘોષે મીડિયામાં તેમના વિશેના સમાચારો પ્રકાશિત કરવા અને પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી.
જે બાદ બંગાળ સરકાર તરફથી બીજો મોટો ઝટકો લાગ્યો છે. સરકારે ડો.ઘોષના ટ્રાન્સફર ઓર્ડરને રદ કર્યો છે. અહીં કલકતા પોલીસે પણ સંદીપ ઘોષ પર કાર્યવાહી તેજ કરી છે. મૃતક મહિલા ડોક્ટરની ઓળખ છતી કરવાના કેસમાં પોલીસે હવે ડો. ઘોષને સમન્સ પાઠવ્યા છે. જોકે, સીબીઆઈની પૂછપરછના કારણે તે હાજર થઈ શક્યો ન હતો અને બીજી તારીખ માંગી હતી.
CBIએ બુધવારે પણ સંદીપ ઘોષની 13 કલાક સુધી પૂછપરછ કરી હતી. અત્યાર સુધીમાં કુલ 77 કલાકની પૂછપરછ થઈ છે. પરંતુ ઘણા પ્રશ્નોના જવાબો શોધવાના બાકી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘોષને પૂછવામાં આવ્યું કે શું તેમણે આરજી મેડિકલ કોલેજમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવવાનો આગ્રહ કર્યો હતો? શું આને બીજે ક્યાંય મંજૂરી ન હતી? ઘોષના જવાબની ફરી તપાસ કરવામાં આવશે, એમ સૂત્રએ જણાવ્યું હતું.