રાજાનો આત્મા EVM અને CBI-EDમાં છે: રાહુલ ગાંધી
- ભારત જોડો યાત્રાનું સમાપન: ઇવીએમ ચોર હોવાનો અબ્દુલ્લાનો આક્ષેપ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ, ભારત જોડો યાત્રાના સમાપન પ્રસંગે રવિવારે મુંબઈના શિવાજી પાર્ક ખાતે ઈન્ડિયા એલાયન્સની રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે ભારત જોડો ન્યાય યાત્રામાં માત્ર રાહુલ ગાંધી જ નહીં પરંતુ સમગ્ર વિપક્ષ 4000 કિલોમીટર ચાલ્યો હતો.આજે દેશમાં સોશિયલ મીડિયા પર નિયંત્રણ છે. લોકોને લાગે છે કે આપણે બધા એક રાજકીય પક્ષ સામે લડી રહ્યા છીએ.
દેશ એવું પણ વિચારે છે કે મંચ પર બેઠેલા આ નેતાઓ કોઈ રાજકીય પક્ષ સાથે લડી રહ્યા છે, પરંતુ આ ખોટું છે.રાહુલ ગાંધીએ કહ્યું કે, કેટલાક લોકો કહે છે કે બધા એક વ્યક્તિ સામે લડી રહ્યા છે, પરંતુ એવું નથી. અમે ના તો ભાજપ સામે લડી રહ્યા છીએ કે ના તો એક વ્યક્તિ સામે. હિન્દુ ધર્મમાં શક્તિ શબ્દ છે, આપણે શક્તિ સાથે લડી રહ્યા છીએ.
હવે પ્રશ્ન થાય છે કે એ શક્તિ શું છે? કોઈએ કહ્યું કે રાજાનો આત્મા ઈવીએમમાં છે. આ બિલકુલ સાચું છે. તે ભારતની દરેક સંસ્થામાં છે. સીબીઆઈમાં છે. ઈડીમાં છે, ઈન્કમટેક્સ વિભાગમાં છે. તેમણે કહ્યું કે મારી સામે કેસ દાખલ કરવાથી કોઈ ફરક પડતો નથી. ઇડીએ મને 50 કલાક સુધી બેસાડી રાખ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે મોદી મારાથી ડરે છે, કેમ કે મેં અંદરથી સિસ્ટમ જોઇ છે. મોદીની છાતી 56 ઇંચની નહીં, ખોખલી છે.
રાહુલ ગાંધીએ કહ્યું, મહારાષ્ટ્રના એક વરિષ્ઠ નેતા કોંગ્રેસ પાર્ટી છોડતા સમયે મારી માતા સમક્ષ રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે સોનિયાજી, મને શરમ આવે છે કે મારામાં આ શક્તિ સામે લડવાની હિંમત નથી અને હું આ ઉમરે જેલમાં જવા માંગતો નથી. તેવી જ રીતે દેશના હજારો લોકોને ડરાવવામાં આવી રહ્યાં છે. શું શિવસેનાના લોકો અને એનસીના લોકોએ આવી જ રીતે પક્ષ બદલ્યો છે ? ભાજપે તેમને ગળાથી પકડીને બાજુમાં ધકેલી દીધા છે. બધા ડરી ગયા છે. આજે વિપક્ષી નેતાઓના ગળા પકડીને ભાજપમાં જોડાવવાની ફરજ પાડી રહ્યા છે.
રેલીમાં લોકોને અપીલ કરતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, તમારે વોટ બચાવવા પડશે. આ મશીન (ઇવીએમ) જે છે, તે ચોર છે. કૃપા કરીને તે મશીન પર એક નજર નાખજો. જ્યારે તમે તમારું બટન દબાવશો, ત્યારે ત્યાંથી જે પેપર દેખાશે, તે જોશો કે તમારો મત ત્યાં છે કે બીજો ક્યાંય પડ્યો છે.
મુંબઈમાં ઈન્ડિયા એલાયન્સની આ રેલીમાં તમામ ઘટક પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે, એનસીપી (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવાર, પીડીપીના વડા મહેબૂબા મુફ્તી, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, આરજેડી નેતા તેજસ્વી યાદવ, વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકર સહિત અન્ય નેતાઓએ ભાગ લીધો હતો. મુંબઈના શિવાજી પાર્કમાં ઈન્ડિયા એલાયન્સની આ મેગા રેલી પહેલા શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ઇન્ડિયન ઇલેક્શન લીગ: સાત તબક્કાના મતદાન સામે વિરોધ
ચૂંટણી પંચે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજવાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસે કહ્યું છે કે આગામી ચૂંટણી લોકશાહીને બચાવવાની છેલ્લી તક હશે. તૃણમૂલ કોંગ્રેસએ પણ કહ્યું છે કે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ સરકારના એક કે બે તબક્કામાં ચૂંટણી કરાવવાના સૂચન પર ધ્યાન આપ્યું નથી. રાજ્યમાં સાત તબક્કાનું મતદાન ફરી એક વખત વધુ પૈસો ધરાવતા પક્ષોને મદદ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સાત તબક્કાની ચૂંટણીનો અર્થ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક જગ્યાએ જવા માંગે છે. તે ત્રણ કે ચાર તબક્કામાં પૂર્ણ થઈ શક્યું હોત. શું થવાનું છે તેની અમને ચિંતા નથી, પરંતુ મોદી સાત ચરણ મૂકી રહ્યા છે. તેનો અર્થ એ છે કે તે દરેક જગ્યાએ જવા માંગે છે. આ દેશમાં, મેં લગભગ 12 ચૂંટણીઓ પણ લડી છે અને તેમાં ભાગ્યે જ ચાર તબક્કા હતા. ડીએમકેના પ્રવક્તા ટીકેએસ એલાન્ગોવને જણાવ્યું હતું કે અમે ધાર્યું હતું કે તમિલનાડુમાં પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાશે. જો કે, 4 જૂન સુધી રાહ જોવી એ એક પ્રશ્ન છે જેના માટે પાર્ટીએ તૈયારી કરવી પડશે. બંગાળના નાણામંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે અમે રાજ્યમાં એક કે બે તબક્કામાં લોકસભાની ચૂંટણી ઈચ્છીએ છીએ. અમારો મત એવો હતો કે બહુ-તબક્કાની ચૂંટણીઓ રાજકીય પક્ષોને વધુ કમાણી કરવામાં મદદ કરે છે અને તેમને અન્યો પર આગળ વધે છે.