‘આપ’ને ભુલ્લરના માથાના બદલામાં રૂા.133 કરોડનું દાન આપ્યાનો ખાલિસ્તાની આતંકીનો દાવો
- કેજરીવાલે ભુલ્લરને મુક્ત કરવા વચન આપ્યું હતું : પન્નુના વીડિયોથી સનસનાટી
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ આમ આદમી પાર્ટી અને સીએમ કેજરીવાલ પર ખાલિસ્તાનીઓ પાસેથી કરોડો રૂૂપિયાનું દાન લેવાનો આરોપ લગાવ્યો છે. આતંકવાદી પન્નુએ દાવો કર્યો છે કે સીએમ કેજરીવાલે ખાલિસ્તાનીઓ સાથેની બેઠકમાં આતંકવાદી ભુલ્લરને છોડવાનું વચન પણ આપ્યું હતું. પન્નુએ એક વીડિયોમાં આ આરોપો લગાવ્યા છે.
શીખ ફોર જસ્ટિસ (એસએફજી) આતંકવાદી સંગઠનના વડા પન્નુએ અઢી મિનિટનો વીડિયો જાહેર કરીને સીએમ કેજરીવાલ, આમ આદમી પાર્ટી અને પંજાબના સીએમ ભગવંત માન પર આરોપ લગાવ્યો છે. પન્નુએ આ વીડિયોમાં કહ્યું કે, અરવિંદ કેજરીવાલ પોતાને ઈમાનદાર હિંદુ કહે છે પરંતુ તે એક અપ્રમાણિક હિંદુ છે. 2014માં જ્યારે તેમની પાસે સત્તા ન હતી ત્યારે તેઓ અમેરિકા આવ્યા હતા અને ન્યૂયોર્કમાં ખાલિસ્તાનીઓને વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો પ્રોફેસર દેવિન્દર પાલ સિંહ ભુલ્લરને 5 કલાકમાં મુક્ત કરવામાં આવશે. પન્નુએ કેજરીવાલ પર વચન તોડવાનો આરોપ લગાવ્યો. પન્નુએ કહ્યું કે ભુલ્લરને છોડવામાં આવ્યો નથી પરંતુ પંજાબમાં ભગવંત માનની સરકાર ખાલિસ્તાનીઓની વાત કરનારાઓને રોકી રહી છે.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2014માં ગુરુદ્વારા રિચમન્ડ હિલ્સ, ગઢમાં ખાલિસ્તાન સમર્થક શીખો સાથે બેઠક કરી હતી જ્યાં કેજરીવાલે આર્થિક સહાયના બદલામાં આતંકવાદી ભુલ્લરને મુક્ત કરવાનું વચન આપ્યું હતું.આ પછી પન્નુએ આરોપ લગાવ્યો કે ભગવંત માન અને કેજરીવાલે આમ આદમી પાર્ટી માટે ખાલિસ્તાનીઓ પાસેથી મોટી રકમ લીધી છે. 2014-2022 ની વચ્ચે, ખાલિસ્તાનીઓએ અઅઙ સરકાર બનાવવા માટે 16 મિલિયન (₹133 કરોડ)નું યોગદાન આપ્યું હતું.
પન્નુએ આરોપ લગાવ્યો કે સીએમ અરવિંદ કેજરીવાલના નિર્દેશ પર સીએમ ભગવંત માન દ્વારા પંજાબમાં ખાલિસ્તાનીઓ વિરુદ્ધ ખોટા પોલીસ એન્કાઉન્ટરો કરવામાં આવી રહ્યા છે. પન્નુએ કેજરીવાલ સાથે હિસાબ પતાવવાની પણ ધમકી આપી છે. પન્નુએ ખાલિસ્તાની અમૃતપાલ વિશે પણ વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે પન્નુ જેની વાત કરી રહ્યા છે તે દેવિન્દર પાલ સિંહ ભુલ્લરએ 1993માં દિલ્હીમાં કારમાં બોમ્બ મૂકીને બ્લાસ્ટ કરાવ્યો હતો. ભુલ્લરના આતંકવાદી કૃત્યમાં 9 લોકો માર્યા ગયા હતા જ્યારે 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભુલ્લરે યુથ કોંગ્રેસ કાર્યાલયની બહાર આ વિસ્ફોટ કર્યો હતો. જેમાં યુથ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ એમએસ બિટ્ટાને ઈજા થઈ હતી. ભુલ્લર હાલ જેલમાં છે. તેને ફાંસીની સજા આપવામાં આવી હતી પરંતુ બાદમાં આ સજાને આજીવન કેદમાં બદલી દેવામાં આવી હતી.