કેજરીવાલ માટે કાનૂની લડત મુશ્કેલ બનશે: ચૂંટણીમાં જનસમર્થન હાંસલ કરવાનો પડકાર
દિલ્હીના કહેવાતા લીકર એક્સાઈઝ સ્કેમમાં અંતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવાઈ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ લીકર એક્સાઈઝ સ્કેમ અંગે પૂછપરછ કરવા માટે 9 સમન્સ મોકલ્યા છતાં કેજરીવાલ પૂછરપરછ માટે હાજર નહોતા થતા. બલકે પોતાની ધરપકડ રોકવા માટે હાઈ કોર્ટ ને સુપ્રીમ કોર્ટનાં ચક્કર લગાવ્યા કરતા હતા. કેજરીવાલે દિલ્હી હાઈ કોર્ટમાં પણ અરજી કરેલી.
કેજરીવાલને પીએમએલએ કોર્ટમાં રજૂ કરાયા પછી તેમના 10 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા છે. તેથી કેજરીવાલ જેલની હવા ખાશે એ નક્કી છે. આ દરમિયાનમાં સુપ્રીમ કોર્ટને દયા આવી જાય તો ઠીક છે, બાકી મનિષ સિસોદિયા અને સંજયસિંહની જેમ કેજરીવાલનો જેલવાસ પણ લંબાઈ જશે.
કેજરીવાલે કશું ખોટું કર્યું છે કે નહીં એ ચર્ચા અત્યારે જોરશોરથી ચાલી રહી છે. ભાજપ સરકાર કેજરીવાલને કહેવાતા લીકર સ્કેમના સૂત્રધાર ગણાવે છે અને તેમણે 100 કરોડ રૂૂપિયાની લાંચ લીધી હોવાનો આક્ષેપ કરે છે તો આપ સહિતના વિપક્ષો આપ અને કેજરીવાલને દબાવવા માટે લીકર સ્કેમનું તૂત ઊભું કરાયું હોવાના આક્ષેપ કરી રહ્યા છે.
આ બંને પૈકી સાચું કોણ ને ખોટું કોણ એ કોર્ટ નક્કી કરશે તેથી તેના વિશે બહુ ચોવટ કરવાનો મતલબ નથી પણ લીકર સ્કેમમાં બે મુદ્દા બહુ મહત્ત્વના છે. પહેલો મુદ્દો એ કે, કદાચ પહેલીવાર ઇડીએ લાંચના પૈસા ગોવાની ચૂંટણીમાં વાપરવા મોકલ્યા હતા તેવો ધડાકો કર્યો છે. એજન્સીએ પોતાના દાવાના સમર્થનમાં વોટસએપ ચેટને સાક્ષીઓના નિવેદન ટાંકયા છે.
આ કેસમાં કોર્ટ ક્યારે ચુકાદો આપશે એ ખબર નથી પણ અત્યારે તો લિકર કેસ રાજકીય મુદ્દો બની ગયો છે. ભાજપ કેજરીવાલ સરકાર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહી છે ને આપ ભાજપ સરકાર પર ઈડીનો દુરુપયોગ કરીને કેજરીવાલના અવાજને દબાવી દેવાની મથામણ ચાલી રહી હોવાનો આક્ષેપ કરી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે બંને તેનો રાજકીય ફાયદો ઉઠાવવા ભરપૂર કોશિશ કરી રહ્યાં છે.