For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેજરીવાલ સવાયા ખેલાડી નીકળ્યા, આફતને અવસરમાં પલટી નાખી

01:21 PM Sep 16, 2024 IST | admin
કેજરીવાલ સવાયા ખેલાડી નીકળ્યા  આફતને અવસરમાં પલટી નાખી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત એક્સાઈઝ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈને જેલની બહાર આવી ગયા અને બહાર આવતાં જ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાનો દાવ ખેલીને સોપો પાડી દીધો. કેજરીવાલે કરેલી જાહેરાત પ્રમાણે બે દિવસ પછી પોતે મુખ્યમંત્રીપદ છોડી દેશે અને નવા મુખ્યમંત્રીની વરણી કરાશે. કેજરીવાલે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, પોતે કે મનીષ સિસોદિયા મુખ્યમંત્રી નહીં બને. આ કારણે હવે પછી દિલ્હીની ગાદી પર કોણ આવશે તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આતિશી, સૌરભ ભારદ્વાજ અને અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતાનાં નામ જોરશોરથી ચાલી રહ્યાં છે. કેજરીવાલ કોના પર કળશ ઢોળશે તેની ખબર બે દિવસમાં પડશે તેથી તેની ચર્ચા ત્યારે કરીશું પણ અત્યારે તો કેજરીવાલે મોટો જુગાર ખેલી નાખ્યો છે અને આફતને અવસરમાં પલટી નાખી છે. એ સ્પષ્ટ છે.

Advertisement

કેજરીવાલે એક કાંકરે બે પક્ષી માર્યાં છે. સૌથી પહેલાં તો કેજરીવાલે પોતે સત્તાલાલસુ છે એવી છાપ ઉભી કરવા ભાજપ મથે છે તેની હવા કાઢી નાખી. બીજું એ કે. કેજરીવાલે પોતાની સામેના ભ્રષ્ટાચારના આરોપોના મુદ્દે જનતાની અદાલતમાં જવાનો નિર્ણય લઈને જનતા જ પોતાના માટે સર્વોપરિ છે એવો મેસેજ પણ આપી દીધો. ભાજપ શું કહે છે કે કોર્ટ શું કહે છે તે નહીં પણ જનતા શું કહે છે એ પોતાના માટે મહત્ત્વનું છે એવો સ્પષ્ટ મેસેજ કેજરીવાલે આપ્યો છે. કેજરીવાલના નિર્ણયથી ભાજપ ભાજપ ગયો છે એ ચૂંટણી પંચના વલણથી સ્પષ્ટ છે.

કેજરીવાલે નવેમ્બરમાં જ દિલ્હી વિધાનસભાની ચૂંટણી કરાવવાની માગ કરેલી પણ ચૂંટણી પંચે ઘસીને ના પાડી દીધી છે. ચૂંટણી પંચ નરેન્દ્ર મોદી સરકારનું કહ્યાગરું હોવાથી પંચ મહિના પછી ચૂંટણી યોજવા નથી માગતું તેનું કારણ એ છે કે, ભાજપ ચૂંટણી માટે તૈયાર નથી. કેજરીવાલે એ રીતે પણ પોતાનો હાથ ઉપર રાખ્યો છે. આ શરતો હેઠળ કેજરીવાલ મુખ્યમંત્રીની ઓફિસનો ઉપયોગ નહીં કરી શકે અને કોઈપણ સરકારી દસ્તાવેજ પર સહી નહીં કરી શકે. દિલ્હીમાં રાજ્ય સરકાર પાસે બહુ સત્તાઓ છે જ નહીં અને લેફ્ટનન્ટ ગવર્નર જ બધું નક્કી કરે છે એ જોતાં આ શરતોથી બહુ ફરક ના પડે પણ સામે કેજરીવાલે કશું કરવાનું પણ ના રહે. કેજરીવાલ એ રીતે શોભાના ગાંઠિયા જેવા મુખ્યમંત્રી બની રહે. દિલ્હીમાં 2025ના ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી છે તેથી ચૂંટણી પહેલાં કેજરીવાલે પોતાનો એજન્ડા સેટ કરવા માટે ધડાધડ નિર્ણયો લેવા પડે પણ મુખ્યમંત્રી તરીકે નિર્ણય લેવાની સત્તા જ ના હોય તો એ કશું ના કરી શકે.

Advertisement

કેજરીવાલે એ સ્થિતિમાંથી એક ધડાકે છૂટકારો મેળવી લીધો છે. હવે જે કોઈ મુખ્યમંત્રીપદે આવશે એ આમ આદમી પાર્ટીનો એજન્ડા અમલમાં મૂકી શકશે. ઘણાંને લાગે છે કે નરેન્દ્ર મોદી સરકારના ઈશારે કેજરીવાલને રાજીનામું આપવા માટે મજબૂર કરવા આ શરતો રખાઈ છે. આ વાત સાચી હોય તો પણ કેજરીવાલને રાજીનામું અપાવીને ભાજપ ફાયદામાં રહેવાનો નથી. કેજરીવાલની મુક્તિ સાથે સંકળાયેલા એક મુદ્દાની પણ ચર્ચા કરવી જરૂૂરી છે. આ મુદ્દો ઈડી અને સીબીઆઈ એ બંને કેન્દ્રીય એજન્સીઓની આબરુનો ધજાગરો છે. ઈડી અને સીબીઆઈ બંનેએ લિકર કેસ અંગે મોટા મોટા દાવા કરેલા પણ કેજરીવાલની મુક્તિ સાથે એક રીતે આ કેસની હવા જ નીકળી ગઈ છે.

ભ્રષ્ટાચાર થયો તો તેનાં નાણાં ક્યાંથી આવ્યાં તેનો ના સીબીઆઈ પાસે જવાબ છે કે ના ઈડી પાસે. ભ્રષ્ટાચારનાં નાણાં ક્યાં ગયાં તેનો પણ ના સીબીઆઈ પાસે જવાબ છે કે ના ઈડી પાસે. સીબીઆઈ અને ઈડી બંને છેલ્લાં બે વર્ષથી વધારે સમયથી આ કેસની તપાસ કરે છે અને બંનેએ મળીને 18 લોકોને જેલમાં પૂર્યા પણ તેમાંથી કોઈની સામે પણ કોઈ જ નક્કર પુરાવા સીબીઆઈ કે ઈડી રજૂ કરી શકી નથી. આ કારણે અરવિંદ કેજરીવાલને જામીન આપતા સુપ્રીમ કોર્ટે સીબીઆઇની આકરી ઝાટકણી કાઢીને નપાંજરામાં બંધ પોપટથ સાથે સરખામણી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement