કેજરીવાલે કસ્ટડીમાં રાત વીતાવી: કોર્ટના નિર્ણય પર નજર
- આજે ઇડી રિમાન્ડની કરશે માગણી, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, મુખ્યમંત્રી રાત્રે બરાબર ઉંઘી ન શક્યા, ઘરેથી ધાબળો-દવા મગાવી
શરાબ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીની સુનાવણી આજે સુપ્રિમ કોર્ટમાં થનાર છે. બીજી બાજુ એન્ફોર્સમેન્ટ ડિરેકટરોરેટના અધિકારીઓ કેજરીવાલને પીએનએસએ કોર્ટમાં રજુ કરી વધુ રિમાંડ માગશે. કોર્ટમાં રજુ કરાયા પહેલા તેમનું ડોકટરોની ટીમ દ્વારા મેડીકલ ચેકઅપ કરાયું હતું. કેજરીવાલની ધરપકડ કરાયા બાદ તેમની ઇડીએ ફરી પુછપરછ કરી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ ગુરુવારે સાંજે દિલ્હી દારૂૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ઈડીની ટીમ ગઈકાલે સાંજે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. લગભગ બે કલાકની પૂછપરછ અને તેમના નિવાસસ્થાને સર્ચ કર્યા બાદ ઇડીએ કેજરીવાલની ધરપકડ કરી હતી. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી તેને લગભગ 11:30 વાગ્યાની આસપાસ તેના હેડક્વાર્ટર લઈ ગઈ, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. દારૂૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇડી લોકઅપમાં રાત વિતાવી. આખી રાત તે બરાબર સૂઈ શક્યા ન હતા. રાત્રે ઘરેથી તેને ધાબળા અને દવાઓ આપવામાં આવી હતી. ઈડીએ અરવિંદ કેજરીવાલના ઘરેથી કેટલાક ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
ધરપકડના થોડા સમય પહેલા કેજરીવાલના વકીલોની ટીમે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારનો સંપર્ક કર્યો હતો. રજિસ્ટ્રારે તેને રાહ જોવા કહ્યું. બાદમાં લીગલ ટીમે નિર્ણય લીધો હતો કે તેઓ આજે સુનાવણીનો આગ્રહ નહીં રાખે. મોડી રાત્રે એ સ્પષ્ટ થઈ ગયું કે સુપ્રીમ કોર્ટ શુક્રવારે અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. આમ આદમી પાર્ટી આ મામલાને ચીફ જસ્ટિસની કોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે રજૂ કરશે.
હોળીની રજા પહેલા શુક્રવાર નિયમિત સુનાવણીનો છેલ્લો દિવસ છે. શનિવારથી આવતા રવિવાર સુધી નવ દિવસ રજા રહેશે. અરવિંદ કેજરીવાલની અરજીમાં ઇડીની કાર્યવાહીને ગેરકાયદે ગણાવીને ધરપકડને પડકારવામાં આવી છે.