'ભગવાનને તો રાજકારણથી દૂર રાખો…'તિરુપતી પ્રસાદ વિવાદમાં સુપ્રીમ કોર્ટની સખ્ત ટિપ્પણી
તિરુપતિ લાડુ પ્રસાદમાં ભેળસેળયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં ન આવ્યાનું કોર્ટનું પ્રાથમિક તારણ
ચંદ્રાબાબુ નાયડુ સામે પણ ઉઠાવ્યા સવાલ, ‘સિટ’ની રચના કરી હતી તો તપાસ વગર નિવેદનો કેમ કર્યા?
આંધ્રપ્રદેશના તિરુપતિમાં થયેલા લાડુ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કમસે કમ ભગવાનને રાજકારણથી દૂર રાખો. જસ્ટિસ ભૂષણ આર ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેંચ સમક્ષ સુબ્રમણ્યમ સ્વામીના વકીલે કહ્યું કે રસોઇની સામગ્રી તપાસ્યા વિના રસોડામાં જઈ રહી છે. તપાસમાં બહાર આવ્યું છે. સિસ્ટમ તેની દેખરેખ માટે જવાબદાર હોવી જોઈએ કારણ કે તે દેવતા માટે અર્પણ છે અને જનતા અને ભક્તો માટે સૌથી પવિત્ર છે. આ કોઇની શ્રદ્ધા અને વિશ્વાસનો સવાલ છે.
કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવેલા આરોપોની કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માંગ કરવામાં આવી છે. તેમનો દાવો છે કે તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવામાં પ્રાણીઓની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરમિયાન, લાડુમાં વપરાતા લોટ અને ઘીની ગુણવત્તા ચકાસવા માટે રાજ્ય સરકારની એક સમિતિ તિરુપતિમાં છે.
જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચ 5 અરજીઓ પર સુનાવણી કરી રહી છે.કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે રિપોર્ટને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે પ્રસાદમાં ભેળસેળયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. કોર્ટે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે ભગવાનને આ વસ્તુઓથી દૂર રાખવામાં આવે.
આ મામલામાં જસ્ટિસ ગવઈએ સીએમ ચંદ્રાબાબુ નાયડુ પર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે જ્યારે આરોપોની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી, તો પછી કોઈ પરિણામ વગર પ્રેસમાં નિવેદનો આપવાની શું જરૂૂર હતી?
તિરુપતિ ટેમ્પલ બોર્ડ વતી વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ અને આંધ્ર પ્રદેશ રાજ્ય વતી વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા. સમગ્ર દેશમાં જ્યારે તિરુપતિ પ્રસાદનો વિવાદ સામે આવ્યો ત્યારે ચર્ચામાં આવ્યો હતો. મંદિરનો પ્રસાદ ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે આવી ભૂલથી ભક્તોની લાગણી દુભાય તે સ્વાભાવિક છે.