મતદારયાદીમાંથી નામ નીકળી જાય તો છરી-ચાકુ તૈયાર રાખો
મમતાના SIRની પ્રક્રિયા પર આકરા પ્રહારો
પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં મતદારયાદીઓની ચાલી રહેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પર આકરા પ્રહારો કરતાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ રાજ્યની મહિલાઓને અપીલ કરી છે કે જો મતદારયાદીની સમીક્ષા દરમ્યાન તેમનાં નામ કાઢી નાખવામાં આવે તો તેઓ રસોડાનાં સાધનો તૈયાર રાખે એટલે કે ચાકુ-છરી તૈયાર રાખે.
આ મુદ્દે મમતા બેનરજીએ બંગાળના કૃષ્ણનગરમાં એક રેલીમાં કહ્યું હતું કે ’શું તમે SIRના નામે માતાઓ અને બહેનોના અધિકારો છીનવી લેશો? તેઓ ચૂંટણી દરમ્યાન દિલ્હીથી પોલીસ લાવશે અને માતાઓ અને બહેનોને ડરાવશે. માતાઓ અને બહેનો, જો તમારાં નામ કાપી નાખવામાં આવે તો તમારી પાસે સાધનો છે, ખરુંને? રસોઈ બનાવતી વખતે તમે જે સાધનોનો ઉપયોગ કરો છો એની તમારી પાસે તાકાત છે, ખરુંને? જો તમારાં નામ કાપી નાખવામાં આવે તો તમે તેમને (ચૂંટણી માટેના બૂથ લેવલ એજન્ટોને) જવા દેશો નહીં, ખરુંને? મહિલાઓ આગળ લડશે અને પુરુષો તેમની પાછળ હશે.’
આ મુદ્દે વધુ બોલતાં મમતા બેનરજીએ કહ્યું હતું કે કે ’હું જોવા માગું છું કે મહિલાઓ વધુ શક્તિશાળી છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)? તેમણે આરોપ લગાવ્યો હતો કે હું સાંપ્રદાયિકતામાં વિશ્વાસ રાખતી નથી, હું ધર્મનિરપેક્ષતામાં માનું છું. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે BJPપૈસાનો ઉપયોગ કરીને બીજાં રાજ્યોમાંથી લોકોને લાવીને અહીંની જનતાને વિભાજિત કરવાનો પ્રયાસ કરે છે.’