બેંગલુરુની દુર્ઘટના મામલે કર્ણાટક સરકારનું વલણ બેજવાબદારીપૂર્ણ, અસંવેદનશીલ
ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલમાં મંગળવારે રાત્રે પંજાબની ટીમને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ ચેમ્પિયન બની ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુના ચાહકોની ખુશીની કોઈ સીમા નહોતી. એક જ દિવસમાં એ ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુની ઉજવણી બુધવારે બેંગલૂરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સન્માન સમારોહ રખાયો હતો. વિજેતા ખેલાડીઓના સ્વાગત માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમની અંદર હજારોની ભીડ એકઠી થઈ ગઈ હતી ને બહાર લાખોની ભીડ જામી હતી.
આ એકઠી થયેલી ભીડમાં નાસભાગ મચતાં 11 લોકોના મોત થયાં અને 33 લોકો ઘાયલ થતાં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ ટીમના આઈપીએલ ચેમ્પિયન બનવાના ઐતિહાસિક વિજય સાથે એક કલંકિત પ્રકરણ જોડાઈ ગયું છે. આ દુર્ઘટના અત્યંત આઘાતજનક છે અને એટલું જ આઘાતજનક આ મુદ્દે શરૂૂ થઈ ગયેલું રાજકારણ છે. 11 લોકોની ચિતા પર રાજકીય ફાયદાનો રોટલો શેકવા માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા છે અને આક્ષેપો-પ્રતિ આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે. ભાજપે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના રાજીનામાની માગણી કરી છે. ભાજપનું કહેવું છે કે, કોંગ્રેસ સરકારની બેદરકારીને કારણે દુર્ઘટના થઈ છે તેથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. ભાગદોડમાં લોકોનાં મોત પછી પણ કાર્યક્રમ ચાલુ રખાયો હતો, લાશો પડતી હતી છતાં ઉજવણી ચાલુ રહી હતી.
આમ આદમી પાર્ટીના કર્ણાટકના યુવા મોરચા પ્રમુખ લોહિત હનુમાનપુરાએ પોલીસમાં ફરિયાદ કરીને કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન અને ચિન્નાસ્વામી સ્ટેડિયમના સીઈઓ સામે એફઆઈઆર નોંધવાની માગ કરી છે. કોંગ્રેસે આ મુદ્દે ભાજપ રાજકારણ રમી રહ્યું છે એવો આક્ષેપ કર્યો છે પણ વાસ્તવમાં કોંગ્રેસ પણ એ જ કરી રહી દ કરી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એવું કહ્યું કે, હું બચાવ નથી કરી રહ્યો પણ દેશમાં પહેલાં પણ ઘણા મોટા અકસ્માતો થયા છે. કુંભ મેળામાં 50-60 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ સરકારની ભૂલ સ્વીકારીને કહ્યું કે, યોગ્ય આયોજન અને સંકલન હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત.