મહાકુંભમાં જતાં કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, ગાડી અને બસ વચ્ચે ભયાનક ટક્કરમાં 6ના મોત
મહાકુંભમાં જઈ રહેલા કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. પ્રયાગરાજ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ગાડી એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા.અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાનું માથું કપાઈને રોડ પર પડી ગયું હતું. કારને સંપૂર્ણ નુકસાન થયું હતું. દુર્ઘટનામાં ઈજા પામેલા લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે હાલમાં તેમની હાલત ગંભીર છે.
આ અંગે મળતી વિગતો અનુસાર આજે સવારે લગભગ 7 વાગ્યે પ્રયાગરાજ હાઇવે પર મિર્ઝામુરાદ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં પતિ-પત્ની સહિત કર્ણાટકના છ યાત્રાળુઓના મોત થયા હતા, અને પાંચ ઘાયલ થયા હતા. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને BHU ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર છે.
પોલીસે જણાવ્યું હતું કે ટ્રક હાઇવે પર ઉભી હતી. સવારે 7 વાગે એક સ્પીડમાં આવતી ક્રુઝર જીપ પાછળથી અથડાઈ હતી. પોલીસે જણાવ્યું કે ક્રુઝરની સ્પીડ વધુ હતી. ડ્રાઈવર સૂઈ જવાના કારણે અકસ્માત થયો હોવાની આશંકા છે. ડ્રાઇવરની બીજી બાજુનો ભાગ ટ્રકમાં ઘૂસી ગયો હતો.
ટક્કર એટલી જોરદાર હતી કે આગળનો આખો ભાગ ટ્રક સાથે અટવાઈ ગયો. પોલીસ અને સ્થાનિક લોકોએ ઘાયલ અને મૃત લોકોને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ એટલા ખરાબ રીતે ફસાઈ ગયા કે તેઓ તેમને બહાર કાઢી શક્યા નહીં. થોડી વાર બાદ ક્રેન બોલાવવામાં આવી. ટ્રક અને ક્રુઝર અલગ થઈ ગયા હતા. ત્યારબાદ ક્રુઝરને ગેસ કટર વડે કાપીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવ કામગીરીમાં એક કલાકથી વધુ સમય લાગ્યો હતો.
કર્ણાટકના બિદરથી 11 લોકો ક્રુઝર કારમાં યાત્રા માટે નીકળ્યા હતા. તેઓ બનારસમાં શ્રી કાશી વિશ્વનાથના દર્શન કરી પૂજા કરી અને મહાકુંભ સ્નાન માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા. હાઇવે પર રૂપાપુર ગામ પાસે ડ્રાઇવરને ઊંઘ આવી ગઈ અને ફુલ સ્પીડમાં જતી ક્રુઝર કાર રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ.