કમલા પસંદ-રાજશ્રી મસાલાના માલિકની પુત્રવધૂની આત્મહત્યા
દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં કમલા પસંદ અને રાજશ્રી પાન મસાલાના માલિક કમલ કિશોરની પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયા (40) એ આત્મહત્યા કરી લીધી. મંગળવારે સાંજે તેમનો મૃતદેહ તેમના ઘરમાં સ્કાર્ફ પર લટકતો મળી આવ્યો.
અહેવાલો અનુસાર, દીપ્તિનો તેના પતિ હરપ્રીત ચૌરસિયા સાથે સતત વિવાદ ચાલી રહ્યો હતો. તેમના લગ્ન 2010 માં થયા હતા અને તેમને 14 વર્ષનો પુત્ર છે.
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં દીપ્તિએ કોઈ સામે કોઈ આરોપ લગાવ્યા નથી. પોલીસ હાલમાં કેસની તપાસ કરી રહી છે અને પરિવારના નિવેદનો નોંધી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુસાઈડ નોટમાં પ્રેમ અને વિશ્વાસનો ઉલ્લેખ છે. નોટમાં લખવામાં આવ્યું છે કે, જો કોઈ સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ ન હોય, તો તેમાં રહેવાનું અને જીવવાનું કારણ શું છે?પ્રારંભિક તપાસમાં આત્મહત્યાનો કેસ હોવાનું સૂચવવામાં આવ્યું છે, પરંતુ પોલીસ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે દીપ્તિ માનસિક તણાવથી પીડાતી હતી કે કોઈ અન્ય સમસ્યાથી.