ટીએમસીના દંડકપદેથી કલ્યાણ બેનર્જીનું રાજીનામું, અભિષેક સંસદીય પક્ષના નવા નેતા
તૃણમૂલ કોંગ્રેસમાં આંતરીક જૂથવાદ પછી મોટા ફેરફારો થયા છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 12 મીનીટની ઓનલાઈન બેઠકમાં સંસદીય પક્ષની કમાન સુદીપ બંદોપાધ્યાય પાસેથી છીનવી પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીને સોંપી છે જ્યારે દંડક પદેથી કલ્યાણ બેનર્જીએ રાજીનામું આપ્યું છે. કલ્યાણ બેનર્જીએ કહ્યું છે કે તેમણે તેમના સાથી મહુઆ મોઇત્રા સાથેના મતભેદો વચ્ચે આ પદ પરથી રાજીનામું આપ્યું છે. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીની અધ્યક્ષતામાં પાર્ટીની એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ પછી કલ્યાણ બેનર્જીએ પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી.
તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદ કલ્યાણ બેનર્જીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે મેં લોકસભામાં પાર્ટીના ચીફ વ્હીપ પદ પરથી રાજીનામું આપી દીધું છે, કારણ કે ‘દીદી’ (પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી) એ વર્ચ્યુઅલ બેઠક દરમિયાન કહ્યું હતું કે પાર્ટીના સાંસદોમાં સંકલનનો અભાવ છે. તેથી દોષ મારા પર છે. તેથી, મેં પદ છોડવાનો નિર્ણય લીધો છે.