મરાઠી વિવાદ વચ્ચે કાજોલે હિન્દી બોલવાની ના પાડતા ભારે હોબાળો
મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર સમારોહની ઘટનાનો વીડિયો વાયરલ
મહારાષ્ટ્રમાં તાજેતરમાં કેટલાક હિન્દી ભાષી લોકોને બળજબરીપૂર્વક મરાઠી બોલવાનું કહેવામાં આવતા હોબાળો મચ્યો હતો. જેમાં કેટલાક બનાવોમાં હિંસા પણ થઈ હતી. દરમિયાન હવે એક્ટ્રેસ કાજોલ પણ વિવાદોમાં ઘેરાઈ છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન કાજોલ મરાઠીમાં વાત કરી રહી હતી. ત્યારે તેને હિન્દી બોલવાનું કહેતા તે ભડકી ગઈ હતી અને હિન્દી બોલવાની ના પાડી દીધી હતી.
વાસ્તવમાં, કાજોલને તેના 51માં જન્મદિવસે, એટલે કે 5 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કારો 2025માં પ્રતિષ્ઠિત રાજ કપૂર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. કાજોલ કાર્યક્રમમાં માતા અને પીઢ એક્ટ્રેસ તનુજા સાથે પહોંચી હતી. તેમજ તેની માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા તેણે તેમની સાડી પહેરી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસના હાથે એવોર્ડ મેળવ્યા બાદ કાજોલે મરાઠી ભાષામાં સ્પીચ આપી હતી. બાદમાં ભાવુક થઇને તેણે કહ્યું હતું કે, આજે મને જે સન્માન મળ્યું છે, તે જ સન્માન મારી માતાએ વર્ષો પહેલા મેળવ્યું હતું. જોકે, આ કાર્યક્રમ બાદ તે પત્રકારોને મરાઠીમાં જવાબ આપી રહી હતી.
તેવામાં એક પત્રકારે તેને હિન્દીમાં બોલવાનું કહેતા તે ગુસ્સે થઈ ગઈ હતી. કાજોલે ગુસ્સે થતાં પૂછ્યું કે, હવે હું હિન્દીમાં બોલું? જેને સમજવું હશે, તે (મરાઠીમાં બોલેલું) સમજી જશે. બાદમાં તેણે મરાઠી અને અંગ્રેજીમાં જવાબ આપ્યા હતા. એક વખત તેણે એક વાક્ય હિન્દીમાં બોલ્યું હતું. કાજોલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ હિન્દી બોલવાની ના પાડી દેતા સોશિયલ મીડિયા પર યુઝર્સ નારાજ થઈ રહ્યા છે અને એક્ટ્રેસને ટ્રોલ કરી રહ્યા છે.