'કાંટા લગા' ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન, બોલિવૂડ શૉકમાં ડૂબ્યું
બોલિવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું છે. 27 જૂને મોડી રાત્રે અચાનક તેના નિધનના સમાચાર સામે આવતા જ બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધીમાં શોકનો માહોલ જોવા મળ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 27 જૂનની રાત્રે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે શેફાલીને તેના પતિ અને એક્ટર પરાગ ત્યાગી અને અન્ય ત્રણ લોકો બેભાન હાલતમાં મુંબઈના અંધેરીમાં આવેલી બેલેવ્યુ હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હોસ્પિટલના રિસેપ્શન સ્ટાફે પુષ્ટિ આપી છે કે શેફાલી જરીવાલાને હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવી હતી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
શેફાલી જરીવાલનો જન્મ ગુજરાતના અમદાવાદ શહેરમાં થયો હતો અને તે ફિલ્મ જગતની પ્રખ્યાત અભિનેત્રી-નૃત્યકાર હતી. શેફાલીને 2002માં આવેલા 'કાંટા લગા' ગીતના રિમિક્સ વીડિયોથી ખ્યાતિ મળી અને તે રાતોરાત સ્ટાર બની ગઈ. આ ગીતની લોકપ્રિયતા પછી, તે 'કાંટા લગા ગર્લ' તરીકે પણ જાણીતી થઈ. શેફાલીએ બિગ બોસ 13 માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને લોકોએ તેને ખૂબ પસંદ પણ કરી હતી.શેફાલી જરીવાલાએ 2004માં મીત બ્રધર્સ સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેના 2009માં છૂટાછેડા થયા હતા. આ પછી, તેણે 2015માં એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા.શેફાલીના મૃત્યુના સમાચારથી બોલિવૂડમાં શોકનું મોજું છે. સેલેબ્સ અને ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અલી ગોની, દિવ્યાંકા ત્રિપાઠીથી લઈને મિકા સિંહ સુધી સેલેબ્સે શેફાલીના મૃત્યુથી દુઃખ વ્યક્ત કર્યું અને શ્રદ્ધાંજલી પાઠવી છે.