જસ્ટિસ વર્માનો કેશકાંડ ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર ચાલતો હોવાની ચાડી ખાય છે
ત્રણેક મહિના પહેલાં દિલ્હી હાઈ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી તેમાં લાખોની ચલણી નોટો બળીને રાખ થઈ ગઈ હોવાની ઘટનાએ ચકચાર જગાવી હતી આ ઘટનાને પગલે જસ્ટિસ વર્માની તાત્કાલિક બદલી કરી દેવાયેલી ને સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની તપાસ સમિતિને તપાસ સોંપતાં મામલો ઠંડો પડી ગયેલો. પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુના અધ્યક્ષસ્થાને રચાયેલી ત્રણ જજની સમિતિએ તેનો તપાસ રિપોર્ટ આપ્યો તેમાં જસ્ટિસ વર્માને ભ્રષ્ટાચારી ગણાવતાં આ મુદ્દો ફરી ચર્ચામાં છે.
તેમાં પણ ભ્રષ્ટાચારી જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની દરખાસ્ત લાવીને તેમને બેઆબરૂૂ કરીને તગેડીને મોદી સરકાર એક દાખલો બેસાડશે કે નહીં તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે નિમેલી સમિતિના રિપોર્ટમાં ઘણી બધી વાતો છે. જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં સ્ટોર રૂૂમમાં 14 માર્ચની રાત્રે આગ લાગી ત્યારે જસ્ટિસ વર્મા અને તેમનાં પત્ની મધ્ય પ્રદેશમાં હતાં. જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાને તેમનાં પુત્રી અને વૃદ્ધ માતા જ હતાં. જસ્ટિસ વર્માની દીકરીએ ફાયર બ્રિગેડને ફોન કર્યો. સ્ટોર રૂૂમને તાળું હતું તેથી આગ બુઝાવવા ગયેલા ફાયર બ્રિગેડના જવાનોએ તાળું તોડીને આગ બુઝાવી ત્યારે બીજા સામાન સાથે સળગી ગયેલી બિનહિસાબી ચલણી નોટોનાં બંડલો મળી આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો પછી જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરી દેવાઈ હતી પણ કોઈ પગલાં નહોતાં ભરાયા. જસ્ટિસ વર્મા સામે શું થશે એ ખબર નથી પણ અત્યાર સુધી આ મામલે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારનું વલણ ભીનું સંકેલવાનું રહ્યું છે. સુપ્રીમ કોર્ટે તપાસ રિપોર્ટ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મોકલી દેવાયો હોવાનું કહીને હાથ ખંખેરી નાખ્યા છે.
સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ ચલાવવાની ભલામણ કરીને સારું કામ કર્યું પણ માત્ર જસ્ટિસ વર્માને હોદ્દા પર દૂર કરવાથી શું થાય? સુપ્રીમ કોર્ટની સમિતિએ જ જસ્ટિસ વર્માએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું કહ્યું છે તો આ ભ્રષ્ટાચારનું શું? મોદી સરકાર પણ જસ્ટિસ વર્માના મહાભિયોગના મુદ્દે ઝડપથી નિર્ણય લે એ જરૂૂરી છે. જસ્ટિસ વર્મા સામે ભ્રષ્ટાચારના પૂરતા પુરાવા છે અને સુપ્રીમ કોર્ટની ભલામણ પણ છે એ જોતાં મોદી સરકારે મહાભિયોગનો નિર્ણય લેવો જ જોઈએ. મોદી પોતે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની તરફેણ કરે છે ને આ મુદ્દે કોઈ સમાધાન નહીં કરાય એ સાબિત કરવું જોઈએ. વાસ્તવમાં જસ્ટિસ વર્માનો કિસ્સો હિમશિલાનું ટપકું છે. નીચલી અદાલતોમાં ભારોભાર ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું કહેવાય છે. દાખલો બેસાડવો હોય તો ઉપરથી જ શરૂઆત કરવી પડે.