કેશકાંડમાં ફસાયેલા જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ થશે
રોકડ કૌભાંડમાં ખરાબ રીતે ફસાયેલા દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોને ગંભીર માનીને, કેન્દ્ર સરકાર આગામી ચોમાસુ સત્રમાં મહાભિયોગ લાવી શકે છે. 3 મેના રોજ, સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની તપાસ સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે 14 માર્ચે જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાં આગ લાગ્યા પછી, ત્યાં રોકડના મોટા બંડલ મળી આવ્યા હતા. આ આરોપોમાં પ્રથમ દ્રષ્ટિએ સત્ય જોવા મળ્યું છે.
આ સમિતિની રચના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ (CJI) દ્વારા 22 માર્ચે કરવામાં આવી હતી. જેમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જીએસ સંધાવલ્યા અને કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ અનુ શિવરામનનો સમાવેશ થતો હતો. ઈન્ડિયન એક્સપ્રેસે એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ તપાસ અહેવાલની એક નકલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી હતી જેમાં ન્યાયાધીશ સામે મહાભિયોગ કાર્યવાહી શરૂૂ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
રિપોર્ટ પછી, ન્યાયાધીશ વર્માને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે ઇનકાર કરી દીધો છે. 20 માર્ચે તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમણે 5 એપ્રિલે શપથ લીધા હતા પરંતુ અત્યાર સુધી તેમને કોઈ ન્યાયિક કાર્ય સોંપવામાં આવ્યું નથી.