દેશના 53મા મુખ્ય ન્યાયાધિશ તરીકે શપથ લેતા જસ્ટિસ સૂર્યકાંત: 15 મહિનાનો કાર્યકાળ
વડાપ્રધાન, 7 દેશોના ચીફ જસ્ટિસની હાજરીમાં રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ
દેશના 53માં મુખ્ય ન્યાયાધિશ તરીકે આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ સમારંભમાં જસ્ટીસ સૂર્યકાંતે શપથ ગ્રહણ કર્યા હતાં. હિમાચલપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય જજમાંથી 2019માં સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા બાદ સિનિયોરિટીના ક્રમ પ્રમાણે આજે તેમને ચીફ જસ્ટીસનું પદ સોંપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન, ગૃહમંત્રી તેમજ લોકસભાના અધ્યક્ષ સહિત અન્ય 7 દેશના ચીફ જસ્ટીસની હાજરીમાં આજે શપથ લેવડાવ્યા હતાં.
આજે આ શપથ ગ્રહણ સમારોહમાં ભુતાન, કેનિયા, મલેશિયા, મોરેસીયસ, નેપાળ, શ્રીલંકા અને બ્રાઝીલના મુખ્ય ન્યાયાધિશો તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, ભૂતપૂર્વ સીજે બીઆર ગવઈ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અન્ય કેન્દ્રીય મંત્રીઓ હરદીપ સિંહ પુરી, એચડી કુમારસ્વામી, પીયૂષ ગોયલ, જેપી નડ્ડા, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વગેરે પણ ત્યાં હાજર રહ્યા હતા.
મુળ હરિયાણામાં જન્મેલા જસ્ટીસ સૂર્યકાંત અગાઉ અનેક મહત્વના ચુકાદા આપવામાં સામેલ રહ્યા હતાં. જેમાં જમ્મુકાશ્મીરમાંથી કલમ 370ની નાબુદી, પેગાસસ જાસૂસી વિવાદ, બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા વગેરે મહત્વના ચુકાદાઓનો સમાવેશ થાય છે. જસ્ટીસ સૂર્યકાંત 15 મહિના સુધી દેશના ચીફ જસ્ટીસ રહેશે તેઓ 9 ફેબ્રુઆરી 2027નાં રોજ નિવૃત્ત થશે.