જોની લીવરની કોમેડી ફિલ્મ લાંતરાની શુક્રવારે થશે રિલીઝ
ઝી-ફાઇવ પર જોવા મળશે, સંજય મહાનંદ લીડ રોલમાં
જિતેન્દ્ર કુમાર અને જોની લીવર ફરી એક વખત લોકોને હસાવવા આવી રહ્યા છે. તેઓ ‘લાંતરાની’ નામની કોમેડી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ ઝીફાઇવ પર 9 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેમની સાથે જિશુ સેનગુપ્તા, મલયાલમ સ્ટાર નિમિષા સજયન અને ભોજપુરી ઍક્ટર સંજય મહાનંદ લીડ રોલમાં છે. આ એક ઍન્થોલોજી છે, જેને ત્રણ ડિરેક્ટર ગુરવિન્દર સિંહ, કૌશિક ગાંગુલી અને ભાસ્કર હઝારિકાએ ડિરેક્ટ કરી છે.
એમાં ત્રણ ફિલ્મો જેવી કે ‘ધરના મના હૈ’, ‘હુડ હુડ દબંગ’ અને ‘સેનિટાઇઝ્ડ સમાચાર’ જોવા મળશે. આ ત્રણેય ફિલ્મોમાં ગ્રામીણ વિસ્તારની વાસ્તવિકતા સાથે આપણને અવગત કરાવશે. ‘હુડ હુડ દબંગ’માં લીડ રોલ કરનાર જોની લીવરે કહ્યું કે લોકોને હસાવવું એ મારી લાઇફનો ઉદ્દેશ છે. ‘હુડ હુડ દબંગ’માં મેં હટકે રોલ કર્યો છે. મારા આવા અનોખા રોલને જોઈને લોકો શું રીઍક્ટ કરે છે એ જાણવા માટે હું આતુર છું. ફિલ્મમેકર કૌશિક ગાંગુલી સાથે કામ કરવાનો અનુભવ ખુશનુમા રહ્યો હતો.
તો ‘ધરના મના હૈ’માં જોવા મળનારા જિતેન્દ્ર કુમારે કહ્યું કે સ્ટોરી પસંદ કરવી એ પણ એક કળા છે. હું મારા કેરેક્ટરને એવી રીતે પસંદ કરું છું જે રીતે આપણે પેઇન્ટિંગ કરવા માટે કલર્સની પસંદગી કરીએ છીએ. ‘ધરના મના હૈ’માં સ્થાનિક સ્ટોરી જોવા મળશે, જે દરેકને પોતાની સાથે જોડશે. મને એવી સ્ટોરી કરવાનું ગમે છે જે દરેક વર્ગના લોકોને જોડી શકે.