સોરેનની ધરપકડના વિરોધમાં બંધ વચ્ચે ઝારખંડ ટાઇગરની શપથવિધિ લટકી
જમીન કૌભાંડમાં ઇડીની કાર્યવાહી પછી પ્રવાહી રાજકીય સ્થિતિ: મામલો કોર્ટમાં
ઝારખંડના મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેને રાજીનામું આપ્યાની ગણતરીની મિનિટોમાં જ એન્ફોર્સમેન્ટ વિભાગે તેમની ધરપકડ કર્યા પછી તેમની બીજા રાઉન્ડની પુછપરછ કરી હતી. આજે તેમને કોર્ટમાં રજુ કરાયા હતા. દરમિયાન, સોરેનની ધરપકડના વિરોધમાં આદિવાસી સંઘે આજે ઝારખંડ બંધનું એલાન આપતા તંગદિલી પ્રવર્તે છે.
ઝારખંડ મુક્તિ મોરચા અને તેના સહયોગી પક્ષો કોંગ્રેસ, આરજેડીએ અનુગામી તરીકે ઝારખંડ ટાઇગર તરીકે જાણીતા પીઢ નેતા ચંપઇ સોરેનની વરણી કરી હતી. મોરચાના ધારાસભ્યોને ગઇરાતે રાજભવન જઇ સરકાર રચવાનો દાવો કર્યો હતો. પરંતુ રાજયપાલે તેમને નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું નથી. એ જોતાં રાજયમાં રાષ્ટ્રપતિ શાસનની શકતાને નકારવામાં આવતી નથી. રાજીનામું આપ્યા પછી સોરેને પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડીયામાં કવિ શિવમંગલની કવિતા શેર કરી જણાવ્યું હતું ઓ આ એક વિરામ છે, જીવન મહાસંગ્રામ છે, હર પલ લડા હું, હર પલ લડુંગા પર સમજોતે કી ભીખ મૈં લુંગા નહીં, આ કવિતા પૂર્વ પી.એમ. અટલ બિહારી વાજપેયી અવારનવાર ટાંકતા હતા.
સોરેનની ધરપકડ મામલે આકરો પ્રત્યાઘાત આપતા હેમંત સોરેનની ધરપકડ બાદ રાહુલ ગાંધીએ ટોણો માર્યો હતો અને કહ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓ હવે સરકારી એજન્સીઓ નથી રહી, પરંતુ હવે ભાજપની વિપક્ષ હટાઓ સેલ બની ગઈ છે.
હેમંત સોરેનની ધરપકડ પર પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્વીટ કર્યું, વિપક્ષ મુક્ત સંસદ, લોકશાહી મુક્ત ભારત, પ્રશ્ન મુક્ત મીડિયા અને સંવાદિતા મુક્ત જનતા - આ ભાજપ સરકારનું લક્ષ્ય છે. તમામ રાજ્યોમાં એક પછી એક સરકારો પડી રહી છે. વિપક્ષના નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. જે ભાજપમાં નહીં જોડાય તે જેલમાં જશે.બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હેમંત સોરેનની ધરપકડ પર ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે જે પીએમ મોદી સાથે નહીં જાય તે જેલમાં જશે.
હેમંતની જેમ પિતા શિબુ સોરેનની ધરપકડનું 20 વર્ષ પહેલાં નાટક ભજવાયું’તું
હેમંત સોરેનની ધરપકડ પહેલા જે પ્રકારનું રાજકીય નાટક થયું હતું. તેના પિતા શિબુ સોરેનની ધરપકડ પહેલા 20 વર્ષ પહેલા આવું જ ડ્રામા થયું હતું. જોકે, આખા ડ્રામા પછી શિબુ સોરેને કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. 2004માં શિબુ સોરેન સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું ત્યારે તે ભૂગર્ભમાં ગયો હતો. તે સમયે શિબુ સોરેન મનમોહન સરકારમાં કોલસા અને ખાણ મંત્રી હતા. 17 જુલાઇ, 2004ના રોજ જામતારાની એક કોર્ટે શિબુ સોરેન સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. શિબુ સોરેન વોરંટ જારી થયા બાદથી ગુમ થઈ ગયા હતા. આ વોરંટ 30 વર્ષ જૂના કેસમાં જારી કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં 1975માં શિબુ સોરેનના નેતૃત્વમાં રેલી યોજાઈ હતી. આ રેલીમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા. ચિરુડીહમાં આ રેલી નીકળી હતી. શિબુ સોરેન પર ભીડને ઉશ્કેરવાનો આરોપ હતો.21 જુલાઈ, 2004ના રોજ રાંચી પોલીસની ટીમ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને પહોંચી, પરંતુ તે ત્યાં મળ્યો ન હતો. આ પછી આ વોરંટ તેના ઘરની દિવાલ પર ચોંટાડવામાં આવ્યું હતું. આ બધાની વચ્ચે 24 જુલાઈ 2004ના રોજ શિબુ સોરેને કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કોર્ટે તેને ભાગેડુ પણ જાહેર કર્યા હતા. અંતે, 30 જુલાઈ, 2004ના રોજ, શિબુ સોરેન મીડિયા સમક્ષ હાજર થયા અને કહ્યું કે તેઓ 2 ઓગસ્ટે કોર્ટમાં આત્મસમર્પણ કરશે. તેણે તે વાતને નકારી કાઢી હતી કે તે છુપાઈ રહ્યો છે અને કહ્યું કે તે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યો છે. 2 ઓગસ્ટ, 2004ના રોજ, શિબુ સોરેને જામતારા જિલ્લા કોર્ટમાં આત્મસમર્પણ કર્યું. તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જો કે તે જ દિવસે હાઈકોર્ટે પણ તેમને શરતી જામીન આપ્યા હતા. માર્ચ 2008માં, ફાસ્ટ-ટ્રેક કોર્ટે શિબુ સોરેનને 33 વર્ષ જૂના ચિરુડીહ હત્યાકાંડ કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. સોરેન ઉપરાંત, ઝારખંડના જામતારા જિલ્લાની ફાસ્ટ-ટ્રેક કોર્ટે પુરાવાના અભાવે 13 અન્યને નિર્દોષ જાહેર કર્યા હતા.