જમ્મુ કાશ્મીર: વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર મોટી દુર્ઘટના: ભૂસ્ખલન થતા 5ના મોત, 14 ઘાયલ
આજે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓ પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરના માર્ગ પર ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનની ઘટના અર્ધકુમારીમાં સ્થિત ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે બની હતી, જેમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે 14 ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. કેટલાક વધુ શ્રદ્ધાળુઓ દટાયા હોવાની શક્યતા છે. મંગળવારે સતત ત્રીજા દિવસે જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ત્રિકુટા પહાડી પર ભૂસ્ખલનની આ ઘટના બની છે.
તરત જ શ્રાઇન બોર્ડ, સુરક્ષા દળો અને એનડીઆરએફની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં ઘણાં ઘાયલ શ્રદ્ધાળુઓને કટરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રેક પર હાજર શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે દોરડા અને બેરિકેડિંગના સહારે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
શ્રદ્ધાળુઓની સુરક્ષા અને હવામાનની પરિસ્થિતિ જોતા, શ્રાઇન બોર્ડ દ્વારા વૈષ્ણો દેવી યાત્રાને તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. અર્ધકુંવારીથી ભવન સુધીનો માર્ગ સંપૂર્ણપણે બંધ છે, તેમજ નીચલા ટ્રેક પર પણ અવરજવરની મંજૂરી આપવી બંધ કરી દેવાઈ છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનની ભીતિને ધ્યાનમાં રાખીને જમ્મુના અનેક વિસ્તારોમાં મોબાઇલ અને ઈન્ટરનેટ સેવાઓ તાત્કાલિક બંધ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે જમ્મુ વિભાગમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. આમાંથી પાંચ શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા આવ્યા હતા. 24 થી વધુ ઘરો અને પુલોને નુકસાન થયું છે. જમ્મુમાં લગભગ તમામ જળસ્ત્રોત ભયના નિશાનથી ઉપર વહી રહ્યા છે, જેના કારણે શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ અને અન્ય સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ વિભાગના ઘણા ભાગોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે તેઓ આગામી ઉપલબ્ધ ફ્લાઇટ દ્વારા શ્રીનગરથી જમ્મુ આવશે.