જયસ્વાલ છવાયો, બે ટેસ્ટમાં બેવડી સદી, એક ટેસ્ટમાં સિક્સરનો રેકોર્ડ
- ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં અવિરત આગેકૂચ
ટીમ ઈન્ડીયાનો યુવા સ્ટાર યશસ્વી પજયથસ્વાલ છવાઈ ગયો છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં યશસ્વીનું શાનદાર ફોર્મ ચાલુ રહ્યું છે. તેણે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચમાં બેવડી સદી ફટકારી હતી. યશસ્વીએ બીજી ઈનિંગમાં અણનમ 214 રન બનાવ્યા હતા. યશસ્વીએ સતત બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. તેણે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામે 209 રન બનાવ્યા હતા અને હવે રાજકોટમાં 214 અણનમ રન બનાવ્યા. યશસ્વી સતત બે ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો. તેણે આ મામલે વિનોદ કાંબલી અને વિરાટ કોહલીની બરાબરી કરી હતી. કાંબલીએ 1992-93માં આ કર્યું હતું. તેણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે 224 રન બનાવ્યા હતા. જે બાદ તેણે ઝિમ્બાબ્વે સામે દિલ્હીમાં 227 રનની ઇનિંગ રમી હતી. તેના પછી કોહલીનો નંબર આવે છે. વિરાટે 2017-18માં શ્રીલંકા સામે નાગપુરમાં 213 અને દિલ્હીમાં 243 રન બનાવ્યા હતા. જયસ્વાલે પોતાની ઇનિંગમાં 12 સિક્સર ફટકારી હતી. તે ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેનોની યાદીમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે વસીમ અકરમના 28 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી. અકરમે 1996માં શેખુપુરા (પાકિસ્તાન)માં ઝિમ્બાબ્વે સામે 12 સિક્સર ફટકારી હતી. યશસ્વી જયસ્વાલ 147 વર્ષના ટેસ્ટના ઈતિહાસમાં કોઈ એક ટેસ્ટ સીરિઝમાં 20 કે તેથી વધુ સિક્સ ફટકારનાર પહેલો ખેલાડી બન્યો છે.