IT દ્વારા જૂના એસેસમેન્ટ રિઓપન કરી કરચોરી પકડવા કવાયત
માર્ચ બાદ જીએસટી અને ઇન્કમટેક્સ દ્વારા ડેટાની આપ-લે કરવામાં આવી
હિસાબી મહિનો માર્ચ પૂરો થતાંની સાથે જ કરદાતાઓ અને અધિકારીઓને રાહત થઇ છે. જોકે, ઇનકમ ટેક્સ અને જીએસટી વિભાગે તમામ રિટર્ન અને વેપારીઓના ડેટાની આપ-લે કરી છે. તેથી બન્ને વચ્ચે જો મોટી વિસંગતતા જોવા મળે તો તેવા કરદાતા સામે પગલાં લેવામાં આવશે. બીજી તરફ, આયકર વિભાગ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં જૂના એસેસેમેન્ટ રિઓપન કરીને કરચોરી શોધી કાઢવાની કવાયત શરૂૂ કરવામાં આવી છે. ઘણા વેપારીઓ ઓવર બિલિંગ કે ખોટી ખરીદી બતાવીને પોતાનો નફો ઘટાડી દેતા હોય છે. તેના આધારે આવા વેપારીઓ કરચોરી કરતા હોવાથી આવા વેપારીઓ પર પણ તવાઇ આવશે.
આયકર વિભાગ અને જીએસટીના અધિકારીઓએ પરસ્પર ડેટાની આપ-લે કરી દીધા બાદ બન્ને ડિપાર્ટમેન્ટ આગામી તૈયારીમાં લાગી ગયા છે. આયકર વિભાગના સિનિયર ઓફિસરોના જણાવ્યા મુજબ હવે ઘણા વેપારીના જૂના રિટર્નની ફરીથી તપાસ કરવામાં આવશે. જેમની સામે કરચોરીની મજબૂત પુરાવા મળ્યા છે તેવા કરદાતા વેપારીને નોટિસ પાઠવીને આ બાબતે ખુલાસા કરવાનું કહેવામાં આવશે. મોટા બિલ્ડર, ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુના વેપારીઓ અન્ય વેપારીઓ દ્વારા ઘણા કિસ્સામાં બોગસ બિલિંગ કરવામાં આવ્યા હોવાનું જાણી શકાયું છે. ડિપાર્ટમેન્ટના ધ્યાને આવ્યું છે કે ઘણા કિસ્સામાં કરદાતાઓએ કોઇ પણ સપ્લાયર વગર મોટા બિલો મેળવી લીધા હતા. આ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. બોગસ બિલિંગ અને વાસ્તવિક ખરીદી તપાસ કરવામાં આવશે અને તેના આધારે કરદાતા વેપારીઓના ખેલ ખૂલ્લા પાડવામાં આવશે.
આવકવેરા વિભાગ છેલ્લા ત્રણ વર્ષના રિટર્ન રિઓપન કરી શકે છે પરંતુ જ્યાં રૂૂપિયા 1.50 લાખ કે તેથી વધુની આવક ઓછી બતાવાઇ હોય તેમાં પાંચ વર્ષ સુધીના રિટર્ન રિઓપન કરી શકાય છે. જેમાં કરદાતાએ તેના દસ્તાવેજોના આધારે પોતાના બિલિંગને યોગ્ય ગણવાની ફરજ પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, જે આવકવેરા વિભાગનું સંચાલન કરે છે, તેના દ્વારા આ પ્રક્રિયા હાથ ધરાઇ છે. ખાસ કરીને જીએસટીમાં વ્યાપકપણે બોગસ બિલિંગ પકડાયું છે અને તે બિલના આધારે જીએસટીમાં ઇનપુટ ટેકસ ક્રેડિટ પણ મેળવવાઇ છે તો બીજી તરફ આ પ્રકારના બિલિંગથી ખર્ચ પણ વધુ બતાવાયો છે.