ઘરકંકાસમાં હંમેશા પતિને આરોપી માનવો અયોગ્ય
પતિનો પક્ષ પણ સાંભળવો જરૂરી: દિલ્હી હાઇકોર્ટનો ચૂકાદો
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે ઘરેલું વિવાદના દરેક કેસમાં પતિ અને તેનો પરિવાર જ હેરાન કરે છે તેવું માનવું યોગ્ય નથી. કાયદાકીય સ્તરે પણ પતિનો પક્ષ સાંભળવો જરૂૂરી છે. હાઈકોર્ટે એક વ્યક્તિની તરફેણમાં ચુકાદો આપતાં આ ટિપ્પણી કરી હતી. આ વ્યક્તિએ તેની પત્ની દ્વારા તેના અને તેના પરિવાર પર લગાવેલા આરોપોને ખોટા સાબિત કરવામાં 9 વર્ષ વિતાવ્યા.
જસ્ટિસ નીના બંસલ કૃષ્ણની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે અરજદાર અને તેના પરિવારનું તેની પત્ની દ્વારા જાહેરમાં અપમાન કરવામાં આવ્યું હતું. પરંતુ વિડંબના એ હતી કે ઉલટું તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને તેની ધરપકડ કરવામાં આવી. હાઈકોર્ટે નવ વર્ષ પહેલા આ વ્યક્તિની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી હતી અને તે સમયે અરજદારને જેલમાં મોકલવાના આદેશને રદ કર્યો હતો.
ખંડપીઠે કહ્યું છે કે પારિવારિક વિવાદના મામલામાં માત્ર પત્નીનો પક્ષ જ સાંભળવામાં આવે છે તેવો ટ્રેન્ડ બની ગયો છે. પતિની વાત સાંભળ્યા વિના, તેને ઘણી વાર એવી ઘણી ઘટનાઓ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે જે તેણે અથવા તેના પરિવારે કર્યા નથી. આ કિસ્સામાં પણ એવું જ થયું. કોર્ટે કહ્યું કે પત્ની અને તેના પરિવારે વિવાદ સર્જ્યો અને નિર્દોષ પતિને જેલમાં જવું પડ્યું. તેથી ખંડપીઠે તે સમયે દાખલ કરાયેલા કેસને ફગાવી દીધો. તે આરોપીની ધરપકડને પણ ગેરકાયદેસર જાહેર કરે છે.