કેબિનેટના નિર્ણયોની સમીક્ષા કોર્ટનું કામ નથી: સુપ્રીમ
25000 શિક્ષકોની ભરતી રદ કરવા મામલે મમતા સરકારને રાહત: સીબીઆઇની તપાસ જરૂરી નથી
કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની તપાસ કરવાનું કોર્ટનું કામ નથી. કોલકાતા હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે મમતા સરકારને રાહત આપતા આ નિર્ણય આપ્યો અને કહ્યું કે 25 હજાર શિક્ષકો અને અન્ય કર્મચારીઓની ભરતીના નિર્ણયની સીબીઆઈ તપાસની જરૂૂર નથી. હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે વધારાની ભરતીઓ માટે જગ્યાઓની રચના ખોટી છે અને કેબિનેટના નિર્ણયની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં સીબીઆઈ તપાસની કોઈ જરૂૂર નથી. આ સાથે ખંડપીઠે કહ્યું કે અદાલતોએ કેબિનેટના નિર્ણયોની તપાસ ન કરવી જોઈએ. આ તેમનું કામ નથી.
ગયા અઠવાડિયે, સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં 25,000 શિક્ષકો અને અન્ય કર્મચારીઓની ભરતીને રદ કરી હતી, એમ કહીને કે પ્રક્રિયા કલંકિત હતી અને તેની સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હતા. જો કે હવે બેન્ચે મમતા બેનર્જી સરકારને પણ થોડી રાહત આપી છે. કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે, જેના કારણે મમતા સરકાર નિશાના પર હતી. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચે કહ્યું કે કોર્ટની પણ પોતાની મર્યાદાઓ છે. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હોય તેવા કેસોમાં તે તપાસનો આદેશ આપી શકતી નથી. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને મમતા બેનર્જીએ કહ્યું હતું કે હું કોર્ટનું સન્માન કરું છું, પરંતુ નિર્ણય સ્વીકાર્ય નથી.
આટલું જ નહીં, મમતા બેનર્જીએ કહ્યું કે વ્યાપમ જેવું કૌભાંડ ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં થયું હતું, પરંતુ કોઈને સજા થઈ નથી. અમે પૂર્વ શિક્ષણ મંત્રીને હટાવ્યા અને તેમને જેલ પણ જવું પડ્યું. આખરે વ્યાપમ કેસમાં કોણ જેલમાં ગયું? એટલું જ નહીં, મમતા બેનર્જીએ ગઊઊઝ પરીક્ષામાં પણ ગોટાળાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ અને સીપીએમએ મળીને બંગાળની શિક્ષણ વ્યવસ્થાને નષ્ટ કરવાનું ષડયંત્ર રચ્યું છે. વાસ્તવમાં મામલો એ છે કે પશ્ચિમ બંગાળમાં 23 લાખ ઉમેદવારોએ શિક્ષકની ભરતીની પરીક્ષા આપી હતી. આ ભરતીની જાહેરાત 2016માં કરવામાં આવી હતી અને 24,640 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.