મંદિરોના દાનનો સદુપયોગ સ્થાનિક વિસ્તાર, લોકોના લાભાર્થે કરવો જરૂરી
અયોધ્યામાં ભગવાન રામનું મંદિર હિંદુ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું એ વાતને એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો. આ એક વર્ષ દરમિયાન ભગવાન શ્રી રામના મંદિરનું સંચાલન કરવા માટે રચાયેલા ટ્રસ્ટને કેટલા રૂૂપિયાનું દાન મળ્યું તેના આંકડા ફરતા થયા છે. આ આંકડા પ્રમાણે અયોધ્યાના ભગવાન રામના મંદિરને એક વર્ષમાં 700 કરોડથી વધુનું દાન મળ્યું છે. આ આંકડા એ વાતનો પુરાવો છે કે, હિંદુઓને ભગવાન રામમાં અપાર શ્રદ્ધા છે અને રામનગરી અયોધ્યામાં ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું છે. આ આંકડા પ્રમાણે ભગવાન રામના મંદિરને દરરોજની સરેરાશ બે કરોડ રૂૂપિયાની આવક થઈ છે. ભારતમાં મોટી તકલીફ જ એ છે કે, મંદિરોને દાનમાં કરોડો રૂૂપિયા મળે છે પણ એ રૂૂપિયાનો ઉપયોગ ના તો સ્થાનિક સ્તરે વિકાસ માટે થાય છે કે ના હિંદુઓના ભલા માટે થાય છે. હિંદુઓ જે રૂૂપિયો મંદિરોમાં દાનમાં આપે છે એ રૂૂપિયો બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટના રૂૂપમાં જમા થાય છે કે પછી ટ્રસ્ટીઓ તેને વાપરે છે. આ ફિક્સુડ ડિપોઝિટ વધતી જ જાય છે, વધતી જ જાય છે ને ટ્રસ્ટીઓ ખુશ થયા કરે છે પણ તેનો ઉપયોગ લોકકલ્યાણ માટે નથી કરાતો. વાસ્તવમાં આ નાણાં લોકકલ્યાણ માટે વપરાવાં જોઈએ અને ખાસ તો હિંદુઓના ભલા માટે વપરાવાં જોઈએ પણ એવું થતું નથી.
સોમનાથ મહાદેવનું મંદિર હોય, તિરૂૂપતિ મંદિર હોય કે બીજું કોઈ પણ મંદિર હોય, દાનની રકમમાંથી ટ્રસ્ટો તગડાં થાય છે, બીજા કોઈની હાલત સુધરતી નથી. બાકી મંદિરોને જે દાન મળે છે તેમાંથી આખા વિસ્તારની કાયાપલટ કરી શકાય પણ આ દેશમાં મોટું મંદિર ધરાવતું કોઈ શહેર, નગર કે ગામ વિકાસનું મોડલ બન્યું એવું જોયું? દાનમાંથી ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનાં આદર્શ ગામોનું નિર્માણ થઈ શકે પણ એવું પણ જોયું ? મોટાં તીર્થસ્થાનોમાં પ્રવેશતાં જ માનસિક રાહતનો અહેસાસ થવો જોઈએ પણ એવું ક્યાંય જોયું ? ભગવાનના મંદિરે આવનારાં લોકો નચિંત બનીને આવે ને ભગવાનનાં દર્શન કરે એવું હોવું જોઈએ પણ એવું પણ ક્યાંય જોવા નથી મળતું. બીજું બધું તો છોડો પણ કરોડો રૂૂપિયાની આવક હોવા છતાં લગભગ તમામ મંદિરો પ્રસાદનો પણ ધંધો માંડીને બેસી ગયાં છે. ગરીબ પરિવારનાં સંતાનોને ભણવા માટે તમામ મદદ, બેરોજગાર યુવકોને રોજગાર માટે મદદ, બહેન-દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે મદદ મંદિર કરે છે ? કયું મંદિર દાનમાં મળેલા તમામ રૂૂપિયા હિંદુઓના કલ્યાણ માટે વાપરી નાખે છે ? અયોધ્યાના રામમંદિરનું ટ્રસ્ટ આ પહેલ કરીને નવો ચીલો ચાતરી શકે. ખાલી વાતો કરવાથી રામરાજ આવતું નથી. તેના માટે લોકોને મદદ કરવી પડે, રૂૂપિયા ખર્ચવા પડે.